• બુધવાર, 25 નવેમ્બર, 2026

પાકિસ્તાનનાં ટુકડા કરવાની તૈયારીમાં મુનીર ?

-દેશનો રાજકીય અને વહીવટી નક્શો બદલવાનો પ્રસ્તાવ

-ચાર પ્રાંતોને નાના-નાના 12થી 15 ખંડમાં વિભાજિત કરીને વિપક્ષોને ખતમ કરી નાખવાની રાજકીય ચાલબાજી!

નવી દિલ્હી, તા.24: પાકિસ્તાનના સેનાધ્યક્ષ ફીલ્ડ માર્શલ આસિમ મુનીર દેશનો રાજકીય અને વહીવટી નકશો બદલવાની તૈયારીમાં છે. આ યોજના હેઠળ હાલના ચાર પ્રાંતોનું વિભાજન કરીને 12થી 15 નાના પ્રાંતો બનાવવાનો પ્રસ્તાવ ચર્ચામાં છે. આ યોજનાને વહીવટી વ્યવસ્થામાં સુધારો કરવા અને સરકારી સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. જોકે, તેની પાછળ સેનાની શક્તિ વધારવાનો પ્રયાસ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પગલાથી વિપક્ષી દળોને નબળા પાડી દેવાની ચાલબાજી છે. જોકે, મુનીર તરફથી અત્યાર સુધી આ

યોજનાનો કોઈ સત્તાવાર નકશો કે રૂપરેખા જાહેર કરવામાં આવી નથી. પાકિસ્તાનના પંજાબ, સિંધ, ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનની પોતાની રાજકીય ઓળખ અને મજબૂત પ્રાદેશિક રાજકીય આધાર છે. આવી સ્થિતિમાં આ પ્રાંતોનું વિભાજન દેશની રાજનીતિનું સમગ્ર સમીકરણ બદલી શકે છે.

પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત પંજાબમાં આશરે 12.8 કરોડ લોકો વસે છે. અહીં નવાઝ શરીફના પરિવારની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)નો પ્રભાવ છે. સિંધમાં ભુટ્ટો-ઝરદારી પરિવારની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) મજબૂત સ્થિતિમાં છે. કરાચી પણ આ જ પ્રાંતમાં આવેલું છે, જે દેશનું મુખ્ય વ્યાપારી કેન્દ્ર છે.

ખૈબર પખ્તૂનખ્વામાં ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)નો મજબૂત રાજકીય આધાર છે, જ્યારે બલૂચિસ્તાન લાંબા સમયથી અલગતાવાદી હિંસા અને રાજકીય અસંતોષનો સામનો કરી રહ્યું છે. આ પ્રાંતોને નાના ખંડોમાં વિભાજિત કરવાથી વર્તમાન રાજકીય પક્ષોની તાકાત ઘટી શકે છે. નવા પ્રાંતોમાં અલગ-અલગ સરકારો રચાવાથી કેન્દ્ર સરકારનો પ્રભાવ વધવાની આશંકા છે.

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ જુલાઈ મહિનામાં હાલની વહીવટી વ્યવસ્થાને નબળી ગણાવીને નવા વહીવટી ક્ષેત્રોની જરૂરિયાત વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બર મહિનામાં આયોજન મંત્રી અહસાન ઇકબાલે 15 પ્રાંત બનાવવા અથવા જિલ્લા સ્તરે શાસન વ્યવસ્થાને મજબૂત બનાવવાના વિકલ્પો પર ચર્ચા કરી હતી. આ પ્રસ્તાવનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. 3 સપ્ટેમ્બરના રોજ સિંધ વિધાનસભાએ સર્વાનુમતે પ્રાંતના વિભાજન અથવા તેના કોઈ પણ ભાગને અલગ કરવાના વિરોધમાં ઠરાવ પસાર કર્યો હતો. વિધાનસભાએ બંધારણની કલમ 239(4)નો ઉલ્લેખ કર્યો હતો. આ કલમ મુજબ, કોઈ પણ પ્રાંતની સરહદમાં ફેરફાર કરવા માટે સંબંધિત પ્રાંતની વિધાનસભાના ઓછામાં ઓછા બે-તૃતીયાંશ સભ્યોની મંજૂરી આવશ્યક છે. એટલે કે, કેન્દ્ર સરકાર માત્ર આદેશ જારી કરીને પ્રાંતોનું વિભાજન કરી શકતી નથી.

બલૂચિસ્તાનમાં સ્થિતિ વધુ સંવેદનશીલ છે. અહીં લાંબા સમયથી રાજકીય અધિકારો, કુદરતી સંસાધનો અને કેન્દ્ર સરકાર સાથેના સંબંધોને લઈને નારાજગી પ્રવર્તી રહી છે. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર અને ગ્વાદર બંદરને કારણે આ પ્રાંતનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ ઘણું વધારે છે.

ઇ-પેપરના નવા શુલ્ક