માતા-પિતા
સહિત ત્રણના મૃત્યુ, બે બાળકો લાપતા : અજાણી કારમાં આવેલા ચાર શખસોએ નહેરમાં ફેંકી
દીધા
(અમારા
પ્રતિનિધિ તરફથી)
સુરત,
તા.24 : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક શ્રમજીવી પરિવારના સભ્યોને કારમાં
આંતરીને નહેરમાં ફેંકી દેવાની અત્યંત ગંભીર અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ
દુર્ઘટનામાં માતા-પિતા સહિત ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે બે બાળકો હજુ લાપતા
છે. સદનસીબે 13 વર્ષીય કિશોરનો પાઇપના સહારે જીવ બચ્યો છે.
મળતી
માહિતી મુજબ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલ વિસ્તારનો આ પરિવાર 21 નવેમ્બરે મજૂરીકામ
અર્થે સુરત આવવા નીકળ્યો હતો. બારડોલીના ઉવા ગામ પાસે પહોંચતા અજાણી કારમાં આવેલા ચાર
શખ્સોએ પરિવારની કાર રોકી હતી. આરોપીઓએ પરિવારના સભ્યોને બે અલગ-અલગ કારમાં બેસાડીને
ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાં ફેંકી દીધા હતા. ઘટનામાં નીતિન ઉર્ફે
ભુરિયા
પાટીલ, કવિતા (સવિતા) પાટીલ અને દોહિત્રી સ્વીટીના મૃતદેહ મહુવા તાલુકાના ડુંગરી નજીક
નહેરમાંથી મળી આવ્યા છે. જ્યારે નીતિનનો 2 વર્ષીય પુત્ર પ્રથમેશ અને દોહિત્ર હરીશ હજુ
સુધી લાપતા છે. નહેરમાં ફેંકાયેલા 13 વર્ષીય કિશોર કરણ પાટીલના હાથમાં નહેરની પાઇપ
આવી જતાં તે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો અને નજીકની હોટેલ પર પહોંચીને બનાવની જાણ
કરી હતી.
આ મામલે
પરિવારની પુખ્ત વયની પુત્રી ખુશી સંજય પાટીલને મહારાષ્ટ્રથી સુરત બોલાવી તેની ફરિયાદના
આધારે બારડોલી ગ્રામ્ય પોલીસે ખંડીયો, આભો, બંટી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો
નોંધ્યો છે. સુરત ગ્રામ્ય એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, એલસીબી, એસઓજી
સહિતની 60 પોલીસકર્મીની ટીમો આરોપીઓને ઝડપવા કામે લાગી છે.
નહેરનો
પ્રવાહ નવસારી ગ્રામ્ય અને જલાલપોર તરફ જતો હોવાથી ત્યાં પણ તંત્રને સતર્ક કરી ફાયર
અને પોલીસ ટીમો દ્વારા લાપતા બાળકોની શોધખોળ ચાલી રહી છે. જૂની અદાવત કે અન્ય કયા કારણોસર
આ કૃત્ય આચરાયું તે દિશામાં પોલીસ તપાસ ધમધમી રહી છે.
મૃતકની
યાદી
કવિતબાઈ
પાટીલ (ઉં.45 વર્ષ આશરે)
નિતિન
ઉર્ફે ભુરીયા હિમ્મત પાટીલ (ઉં. 40 વર્ષ આશરે)
સ્વટી
સંજય પાટીલ (ઉં.9 વર્ષ આશરે)