• બુધવાર, 25 નવેમ્બર, 2026

ઈરાનમાં હિજાબ વિના કાર્યક્રમ આપનાર ગાયિકાને 74 કોરડા ફટકારાયા

નવી દિલ્હી, તા.24: ઈરાનમાં હિજાબ વિના સંગીત કાર્યક્રમ આપનારી ગાયિકા પરસ્તુ અહમદીને 74 કોરડા ફટકારવાની સજા બજાવવામાં આવી હતી. તેની સાથે પ્રોડક્શન ટીમના અન્ય ચાર સભ્યોને પણ આ જ સજા આપવામાં આવી હતી. પાંચેયને અશ્લીલ અને અનૈતિક ગણાતી અૉનલાઇન સામગ્રી તૈયાર કરવા અને પ્રકાશિત કરવાના મામલે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

અહેવાલ મુજબ, અહમદી અને તેની ટીમના ચાર સભ્યો પર બે વર્ષ સુધી કલાત્મક અને સંગીત સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ઉપરાંત વિદેશ પ્રવાસ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો ડિસેમ્બર 2024માં સામે આવેલા એક અૉનલાઇન સંગીત કાર્યક્રમ સાથે જોડાયેલો છે. પરસ્તુ અહમદીએ આ કાર્યક્રમ પુરુષ સંગીતકારો સાથે રજૂ કર્યો હતો. તેનું રેકોર્ડિંગ યુટયુબ પર જાહેર કરવામાં આવી હતી. ગાયિકાએ આ કાર્યક્રમ દરમિયાન ઈરાનમાં મહિલાઓ માટે ફરજિયાત હિજાબના નિયમનું પાલન કર્યું નહોતું. આ વીડિયો અૉનલાઇન મોટી સંખ્યામાં લોકોએ જોયો હતો. ત્યારબાદ ઈરાનમાં મહિલા કલાકારોને જાહેર મંચો પર કાર્યક્રમ રજૂ કરવા સંબંધિત પ્રતિબંધો અંગેની ચર્ચા પણ તેજ બની હતી.

ઇ-પેપરના નવા શુલ્ક