પોરબંદરના મોઢવાડા ખાતે મહેર સમાજ ભવનના લોકાર્પણ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલની સ્પષ્ટતા
પોરબંદર તા.28 : પોરબંદરના મોઢવાડા
ખાતે મહેર સમાજ ભવનનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું ત્યારે મહત્વની જાહેરાત એવી કરી
હતી કે ‘કુછડી ખાતે ગ્રીનફિલ્ડશીપ બિલ્ડીંગ કામ પ્રગતિમાં છે‘ ઘણા સમયથી પોરબંદર જિલ્લામાં
એવી અફવાઓ ફેલાઈ હતી કે કુછડીનો પ્રોજેક્ટ રદ થયો છે ત્યારે મુખ્યમંત્રીએ આ મહત્વની
સ્પષ્ટતા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના
હસ્તે અને પોરબંદરના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા તથા વન અને
પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપરાંત સમાજના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં પોરબંદરના
મોઢવાડા ગામે નવનિર્મિત લીરબાઈ મા મહેર સમાજ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મોઢવાડા ગામ ખાતે આઈ શ્રી લિરબાઈ મા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત મોઢવાડા ગામના
સંયુક્ત ઉપક્રમે આશરે
રૂ. 7.5 કરોડના ખર્ચે નિર્મિત
આઈ શ્રી લિરબાઈ મા મહેર સમાજ ભવનનો લોકાર્પણ સમારોહ મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનોની
ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
નવનિર્મિત સમાજ ભવનનું લોકાર્પણ કરી સમાજના લોકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું
કે, પોરબંદર અને દ્વારકા જિલ્લાની સરહદે આવેલા મોઢવાડા જેવા ગામમાં શહેરોને ટક્કર મારે
તેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ભવન માત્ર મહેર સમાજ પૂરતું સીમિત ન રહેતાં
ગામના તમામ સમાજના લોકોને વિવિધ સામાજિક અને સામૂહિક પ્રસંગો માટે ઉપયોગી બને તેવા
હેતુથી નિર્માણ પામ્યું છે.
ભવનના નિર્માણમાં ગામની દીકરીઓથી
લઈને યુનાઇટેડ કિંગડમ (યુકે) સહિત દેશ-વિદેશમાં વસતા દાતાઓએ આપેલા યોગદાન અને વતનપ્રેમને
તેમણે બિરદાવ્યો હતો.
મહેર સમાજના શૌર્યપૂર્ણ ઇતિહાસને
યાદ કરતાં મુખ્યમંત્રીએ વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં માત્ર 21 વર્ષની વયે માતૃભૂમિની
રક્ષા કાજે વીરગતિ પામેલા વીર યોદ્ધા નાગાજણ સિસોદિયાને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પોરબંદર જિલ્લાના વિકાસની સંભાવનાઓ
અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મોઢવાડા ગામમાં એમપી-એમએલએ ગ્રાન્ટ હેઠળ સીસી
રોડ અને પેવર બ્લોક સહિતનાં માળખાકીય વિકાસનાં કામો હાથ ધરવામાં આવ્યાં છે. પોરબંદરના
કુછડી ખાતે ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિગ ક્લસ્ટરનું કામ પ્રગતિમાં છે, જ્યારે મોચા ગામે
મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર વિકસાવવાની પહેલ કરવામાં આવી છે.