• શનિવાર, 28 નવેમ્બર, 2026

સવારે ઠંડક, બપોરે આકરો તાપ રાજ્યમાં બેવડી ઋતુનો માહોલ

નવેમ્બર વિદાયની તૈયારીમાં છતાં ઠંડી હજુ બેઅસર

નલિયામાં સૌથી ઓછું 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજકોટમાં લઘુતમ 14.4 સામે મહત્તમ પારો 34.2 ડિગ્રી સુધી પહોંચતાં શિયાળામાં ઉનાળાનો અહેસાસ

રાજકોટ, તા.27 : નવેમ્બર મહિનો પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે, છતાં ગુજરાતમાં શિયાળાએ હજુ પોતાનો અસલી મિજાજ બતાવ્યો નથી. સામાન્ય રીતે આ સમયગાળામાં ઠંડીનો ચમકારો વધવા લાગે છે, પરંતુ આ વખતે વાતાવરણનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે હળવી ઠંડક અનુભવાય છે, જ્યારે બપોરના સમયે આકરા તડકાને કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરિણામે રાજ્યભરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, આજે રાજ્યમાં સૌથી નીચું લઘુતમ તાપમાન કચ્છના નલિયામાં 10.8 ડિગ્રી નોંધાયું હતું. નલિયા સિવાય કોઈ પણ હવામાન મથકે પારો 11 ડિગ્રીથી નીચે ગયો નથી. રાજકોટમાં લઘુતમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી ઓછું છે. જોકે, અગાઉના દિવસે રાજકોટનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સુધી પહોંચતાં બપોરે ગરમીનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

અન્ય શહેરોની વાત કરીએ તો દ્વારકામાં 18, કંડલામાં 17.5, ઓખામાં 20.6, પોરબંદરમાં 14.8 અને સુરતમાં 19.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન સામાન્ય કરતાં 1.9 ડિગ્રી ઊંચું રહ્યું હતું. વડોદરામાં 16.2, ભુજમાં 17.2, ભાવનગરમાં 18.2, ડીસામાં 14.2 અને દીવમાં 16.5 ડિગ્રી નોંધાયું હતું. ધારી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સવારે ઠંડક અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન નિષ્ણાતોના મતે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે આ સમયગાળામાં ઠંડી વધુ અનુભવાય છે, પરંતુ હાલ ત્યાં પણ તાપમાન અપેક્ષા મુજબ નીચે ઉતર્યું નથી. આમ, ડિસેમ્બર નજીક હોવા છતાં શિયાળાની જમાવટની રાહ જોવી પડી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક