• શનિવાર, 28 નવેમ્બર, 2026

8.46 લાખના વધારા સાથે કુલ મતદારો 4.48 કરોડને પાર

ગુજરાતની મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ : 1,071 થર્ડ જેન્ડર મતદારો: 26 ડિસેમ્બર સુધી નોંધાવી શકાશે હક્ક-દાવા

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 27:  ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત આજે  ગુજરાત રાજ્યની એકીકૃત મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી અનુસાર રાજ્યમાં મતદારોની કુલ સંખ્યા 4,48,77,288 પર પહોંચી છે, જેમાં 2,30,90,067 પુરુષો, 2,17,86,150 મહિલાઓ અને 1,071 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના આંકડાકીય વિશ્લેષણ મુજબ, 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી અગાઉની આખરી મતદાર યાદીમાં રાજ્યમાં કુલ 4,40,30,725 મતદારો નોંધાયેલા હતા. તેની સરખામણીએ 27 નવેમ્બર, 2026ની મુસદ્દા યાદીમાં મતદારોની સંખ્યામાં 1.92 ટકા એટલે કે 8,46,563 મતદારનો ચોખ્ખો વધારો નોંધાયો છે. આ સુધારણા પ્રક્રિયા દરમિયાન નામ ઉમેરવા માટે ફોર્મ-6, ફોર્મ-6અ અને સ્થળાંતર માટેના ફોર્મ-8 હેઠળ 12,01,184 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જ્યારે નામ કમી કરવા માટે ફોર્મ-7 અને ફોર્મ-8 હેઠળ કુલ 3,54,621 અરજીઓને મંજૂરી અપાઈ છે.

મુસદ્દા યાદી પ્રસિદ્ધ થતાની સાથે જ 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધી નાગરિકો માટે હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાનો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન મતદારો યાદીમાં પોતાનું નામ અને વિગતો ચકાસી શકશે, તેમજ નામ ઉમેરવા, વિગતો સુધારવા કે સરનામામાં ફેરફાર કરવા માટે નિયત ફોર્મ ભરીને અરજી કરી શકશે. નાગરિકોની સુવિધા માટે ચૂંટણી પંચે 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર, 2026 એમ ત્રણ રવિવારે ખાસ ઝુંબેશ દિવસો જાહેર કર્યા છે, જેમાં બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથકો પર હાજર રહીને અરજીઓ સ્વીકારશે.

ચૂંટણી પંચે નવા યુવા મતદારોને લોકશાહીના પર્વમાં જોડાવા ખાસ આહ્વાન કર્યું છે. 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવવા પાત્ર છે, ઉપરાંત વર્ષ 2027માં 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા સંભવિત યુવા મતદારો પણ અગાઉથી પોતાની અરજી કરી શકશે.

કાયદાકીય જોગવાઈ મુજબ, જો કોઈ નાગરિક મતદાર નોંધણી અધિકારીના હુકમથી અસહમત હોય તો તેઓ જિલ્લા ચૂંટણી અધિકારી (જિલ્લા કલેક્ટર) સમક્ષ પ્રથમ અપીલ અને ત્યારબાદ મુખ્ય નિર્વાચન અધિકારી , ગુજરાત સમક્ષ બીજી અપીલ કરી શકશે. સમગ્ર હક્ક-દાવા અને વાંધા નિકાલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 જાન્યુઆરી, 2027ના રોજ રાજ્યની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક