• શનિવાર, 28 નવેમ્બર, 2026

ગુજરાતમાં ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક માત્ર રૂ.12,631

ટેકનોલોજીથી ખેતી આધુનિક બની પણ ખેડૂતોની આવકનો પ્રશ્ન યથાવત્

દેશમાં અનાજ અને બાગાયતી ઉત્પાદનના નવા વિક્રમ છતાં ખેડૂતોની આર્થિક સ્થિતિમાં અપેક્ષિત સુધારો નહીં

ગાંધીનગર, તા.27 : દેશમાં ખેતી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેટેલાઇટ, સ્માર્ટ સેન્સર અને ડિજીટલ સાધનોના ઉપયોગથી ખેતી વધુ વૈજ્ઞાનિક અને સરળ બની રહી છે. પાકનું વાવેતર, સિંચાઈ, જંતુ નિયંત્રણ અને ઉત્પાદન વ્યવસ્થાપનમાં નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. તેમ છતાં કૃષિ ઉત્પાદનમાં સતત વધારો થવા છતાં ખેડૂતોની આવકમાં અપેક્ષિત સુધારો જોવા મળતો નથી. ખેતીની વધતી પડતર કિંમત, દેવું અને પાકના યોગ્ય ભાવ ન મળવા જેવી સમસ્યાઓ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે.

બાગાયતી ક્ષેત્રે ગુજરાતનું ઉત્પાદન 275.24 લાખ ટન સુધી પહોંચ્યું છે. રાજ્યની કૃષિ નિકાસનું મૂલ્ય પણ રૂ. 58,654 કરોડથી વધુ નોંધાયું છે. આ આંકડા ગુજરાતની કૃષિ ક્ષમતા અને ઉત્પાદનની પ્રગતિ દર્શાવે છે. ઉપલબ્ધ સરકારી આંકડા મુજબ દેશમાં ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક રૂ.10,218 છે. જ્યારે ગુજરાતમાં આ આવક રૂ.12,631 છે. તેની સામે પંજાબમાં રૂ.26,701 અને હરિયાણામાં રૂ.22,841 માસિક આવક નોંધાઈ છે. આમ, ગુજરાતની આવક રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ હોવા છતાં અગ્રણી કૃષિ રાજ્યોની સરખામણીમાં ઘણી ઓછી છે.

દેશમાં આશરે 88 ટકા જમીનધારણ નાના અને સીમાંત ખેડૂતોના વર્ગમાં આવે છે. આવા ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા ખેડૂત ઉત્પાદક સંગઠનો, સહકારી ખેતી, કસ્ટમ હાયારિંગ સેન્ટર અને ડિજીટલ માર્કાટિંગને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ગુજરાતમાં 23.13 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધ્યો છે, જે સકારાત્મક બાબત છે. ખેતીમાં પાક વૈવિધ્યકરણ, કુદરતી ખેતી, કૃષિ પેદાશોનું પ્રોસાસિંગ, બ્રાન્ડિગ અને મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોને વધુ આવક મળી શકે છે. હવે કૃષિ ક્ષેત્રની સફળતા માત્ર વિક્રમી ઉત્પાદનથી નહીં, પરંતુ ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળે છે કે નહીં તેના આધારે નક્કી થવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક