• શનિવાર, 27 જુલાઈ, 2024

સવારે ઠંડક, બપોરે આકરો તાપ : ગુજરાતમાં 5 દિવસમાં બે ડિગ્રી વધી શકે છે તાપમાન એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને સામાન્ય ગરમીની શક્યતા

અમદાવાદ, તા. 1 : સમગ્ર રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે તેથી કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બે દિવસ પહેલાં સર્જાયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે 1થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જો કે સવારે ઠંડક અને બપોરે તાપનાં કારણે ફરી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. એપ્રિલ મહિનામાં સામાન્ય ગરમી રહેવાનું અનુમાન લગાવ્યું છે. હિટવેવની શક્યતા નહીંવત્ છે તેમજ પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ પણ છે જ્યારે આગામી 5 દિવસમાં તાપમાન 1થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ એપ્રિલનાં પ્રથમ અઠવાડિયામાં તાપમાન સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે જ્યારે એપ્રિલનાં બીજાં અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેવાની આગાહી કરી છે તેમજ ત્રીજા અને ચોથા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું અનુમાન છે. 

તા.1થી 3 એપ્રિલના વાદળછાયું વાતાવરણ રહેશે. તા.6થી 8 એપ્રિલમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. તા.8 અને 9 એપ્રિલના પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તા.12થી 14 એપ્રિલમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતના કોઈક ભાગોમાં વંટોળ સાથે મહિના અંતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે. તા. 16થી 18 એપ્રિલમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તા.19થી 20 એપ્રિલમાં પણ મધ્ય પ્રદેશ સુધીનું હવામાન પલટાશે. તા.22થી 23 એપ્રિલમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ પછી તા. 23થી 25 એપ્રિલના પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવી સંભાવનાઓ છે. એપ્રિલના અંતમાં એટલે કે 27થી 29 એપ્રિલના વાદળછાયું અને આંધી-વંટોળ તેમજ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 26 એપ્રિલ બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે. કચ્છ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ઊંચું જશે.

આજના દિવસની વાત કરીએ તો હવામાન વિભાગના સાંજના સાત વાગ્યાના આંકડા અનુસાર આજનું મહતમ અને લઘુતમ તાપમાન આ પ્રમાણે રહ્યું હતું. અમદાવાદમાં મહતમ 37.6 ડિગ્રી અને લઘુતમ 22.8, બરોડામાં 37.4 અને 21, ભાવનગરમાં 38.7 અને  25.1, ભુજમાં 38 અને 22.1, દીવમાં 32 અને 20, દ્વારકામાં 29 અને 24.6 ગાંધીનગરમાં 37 અને 20.6, જામનગરમાં 34.5 અને 23.9, કંડલામાં 37 અને 22.4, નલિયામાં 34.8 અને 20.2, ઓખામાં 31.6 અને 23.6, પોરબંદરમાં 32.9 અને 21.4, રાજકોટમાં 38 અને 21, સુરતમાં 37 અને 22.1, સુરેન્દ્રનગરમાં 37.3 અને 23.6 તેમજ વેરાવળમાં 30.2 અને 23 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક