• ગુરુવાર, 09 મે, 2024

ભાવનગર, વડોદરા, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાગ્રસ્ત

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં અમુક સ્થળે વરસાદની આગાહી 

અમદાવાદ, તા.26 : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાના કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે અને દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન આજે ભાવનગર શહેરમાં સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં છાંટાથી લઈને ઝરમર વરસાદ

વરસ્યો હતો.

સુરત સહિત દક્ષીણ ગુજરાતમાં સવારે એકાએક વરસાદી વાદળ છવાયા બાદ શહેરના ભટાર, અઠવા, પાલ, અડાજણ, વેડ રોડ જેવા અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા માંડવીમાં પણ માવઠું પડયું હતું. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ વાપીમાં ધીમો વરસાદ પડયો હતો. કમોસમી વરસાદના કારણે કેરી અને ચીકુનો પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યુ વીઆઈપી રોડ, સરદાર એસ્ટેટ, આજવા રોડ સહિત શહેરમાં ઠેક ઠેકાણે વરસાદી માહોલને લઈ છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જ્યારે જિલ્લાના કરજણ, સાવલી, ડભોઈ, પાદરા અને વાઘોડિયા તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતોના ઉભા પાક જેમાં કપાસ, દિવેલા અને તુવેરના પાકને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે.

હવે આગામી 24 કલાક કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા,  અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. તેમજ જામનગર અને દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 

હવામાન નિષ્ણાતના અનુસાર 26 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહતમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી 41 ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. તો કચ્છમાં ગરમીનો પારો 40 ડિગ્રી તાપમાન રહેશે. જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં 38 થી 40 ડિગ્રીએ પહોંચી જશે. તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે. આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે. મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે. દેશના ઘણા ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. જેથી ગરમીનો પારો ફરી નીચે જશે. આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે.

દરમિયાનમાં આજના તાપમાન પર નજર નાખતા જણાય છે કે આજે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.8 ડિગ્રી રહ્યુ હતું. જ્યારે અન્ય શહેરોમાં મહતમ અને લઘુત્તમ તાપમાન જોઇએ તો અમદાવાદમાં મહત્તમ 39.7 (લઘુત્તમ 27.7), અમરેલીમાં 40.3 (25.4), બરોડામાં 38 (28), ભાવનગરમાં 37.7 (28), ભુજમાં 38.5 (23.8), અને સુરતમાં 37.4 (27.8) ડિગ્રી તાપમાન રહ્યુ હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક