• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

તળાજાના બોરડાના સરકારી દવાખાનામાં આગ ભભૂકી ફાયર સેફટીનાં સાધનોના અભાવે આગ વિકરાળ બની

તળાજા : સરકાર ખાનગી હોસ્પિટલ, સ્કૂલ સહિતની બિલ્ડિંગમાં  ફાયર સેફટીનાં સાધનો ફરજિયાત લગાવવાનો હુકમ કરે છે. બીજી તરફ તળાજાનાં બોરડા ગામે આવેલ સરકારી દવાખાનામાં ફાયર સેફટીનાં સાધનોના અભાવ વચ્ચે રાત્રે આગ ભભૂકી હતી. જેને કારણે બે રૂમમાં પડેલ વસ્તુઓ બળીને નકામી થઈ ગઈ છે.

 આગ અંગે સરપંચના ભાઈ વિક્રમ ભમ્મરે જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાત્રીના દસેક વાગ્યા આસપાસ આગ લાગ્યાની માહિતી મળતા ગણતરીની મિનિટોમાં પ્લોટ વિસ્તાર સહિત ગામના યુવાનો દોડી ગયા હતા. જીવનાં જોખમે આગ ઓલવવા માટે આરોગ્ય કેન્દ્રમાં રહેલા ત્રણ બાટલા દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરાયો પણ આ બાટલાઓ કામ આવ્યા નહીં, તપાસ કરાતા બાટલા ડયૂ ડેટના જોવા મળ્યા હતા.

ઉપરાંત દવાખાનામાં રાત્રી દરમિયાન કોઈ જવાબદાર વ્યક્તિ હાજર પણ હતી નહીં. બાપા સીતારામ આશ્રમ સહિત આસપાસના રહીશોએ જ્યાં ત્યાંથી પાણીની જે સગવડ મળી તેના થકી આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.

શોર્ટ સર્કિટ થઈ હોવાથી વીજ તંત્રને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. તળાજા ફાયર ટીમને જાણ કરતા ટીમ દોડી આવી હતી. ઉપરના માળે પહોંચીને આગને આગળ વધતી અટકાવી કાબૂ મેળવ્યો હતો.

જો કે અહીં ફાયર સેફટીનાં સાધનો ન હોય બે રૂમમાં રહેલ ફ્રીજ સહિતની સરકારી મિલકત બળી જતાં નકામી થઈ ગઈ હતી. આગના કારણે લાદીઓ ફટાકડાંની જેમ ફૂટીને ઊડતી જોવા મળી હતી. યુવાનોની મહેનતને ગ્રામજનોએ બિરદાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક