જામનગર, તા.1: કાલાવડ તાલુકાના
શીશાંગ ગામ પાસે ફાર્મહાઉસ બનાવી આપવાના બહાને રાજકોટના ઉદ્યોગકાર પાસેથી રાજકોટના
બિલ્ડરે કટકે કટકે 17 લાખ રૂપિયા મેળવી લીધા પછી ફાર્મહાઉસ બનાવી નહીં આપી રકમ પણ પરત
નહીં કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત
એવી છે કે, રાજકોટમાં ગંગોત્રી મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા અને અગાઉ રબરની ફેક્ટરી
ધરાવતા હરીશભાઈ સોમનાથભાઈ પંડયા નામના 65 વર્ષના બુઝુર્ગે પોતાની સાથે રૂપિયા 17 લાખની
છેતરપિંડી કરવા અંગે રાજકોટમાં જ સોમનાથ સોસાયટીમાં રહેતા બિલ્ડર જીતેન્દ્રભાઈ કુંવરજીભાઈ
મારૂ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા
અનુસાર ફરિયાદી હરેશભાઈ પંડયાએ પોતાની રબરની ફેક્ટરી બંધ કરી હતી અને અન્ય પાર્ટીને
વહેચી નાખી હતી. જેના વેચાણની રકમ આવવાથી તેઓએ ફાર્મ હાઉસમાં રોકાણ કરવા માટે જીતેન્દ્રભાઈ
મારૂ સાથે સંપર્ક કર્યો હતો. 2016ની સાલમાં 24,50,000માં ફાર્મ હાઉસ ઉભું કરવા માટેનો
સોદો કરીને તે પેટે કટકે કટકે રોકડ તેમજ ચેક મારફતે 17 લાખ રૂપિયા ચુકવ્યા હતા. જેને
આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં જીતેન્દ્રભાઈ મારૂએ કોઈપણ પ્રકારનું બાંધકામ કે
ફાર્મ હાઉસ તૈયાર કરીને આપ્યું ન હતું કે, કોઈપણ પ્રકારની રકમ પણ પરત કરી ન હતી.
આખરે હરીશભાઈએ જામનગરના કાલાવડ
ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને જીતેન્દ્ર મારૂ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી
અંગેની ફરિયાદ નોંધાવી હતી. આરોપી હાલ ફરાર હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.