સુરત, તા.10 : માંગરોળ પંથકમાં
સગીરા સાથેના સામુહિક દુષ્કર્મના ગુનામાં ત્રણ પૈકીના બે પકડાયેલા એક આરોપીનું મૃત્યુ
નીપજ્યું હતું. મૃતક આરોપીનું હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ નીપજ્યાની આશંકા વ્યક્ત
કરવામાં આવી હતી અને મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે
વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, માંગરોળ
પંથકમાં રહેતી એક સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે ત્રણ અજાણ્યા શખસ ધસી આવ્યા
હતા અને સગીરાના મિત્ર પર હુમલો કરી ભગાડી દીધો હતો અને બાદમાં સગીરા સાથે સામુહિક
દુષ્કર્મ આચરી નાસી છુટયા હતા અને સમગ્ર મામલો પોલીસમાં પહોંચતા જિલ્લાભરની પોલીસની
જુદી જુદી ટીમો દ્વારા ત્રણેય નરાધમોની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પોલીસ બાતમીના
આધારે માંડવીના તડકેશ્વર ગામે ત્રણેય નરાધમો છુપાયા હોય પહોંચી હતી અને બે શખસ નાસી
છુટવાનો પ્રયાસ કરતા પોલીસે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી દયાશંકર ઉર્ફે શિવશંકર લક્ષ્મણ
ચોરસિયા અને મુન્ના કરબલી પાસવાનને ઝડપી લીધા હતા. બન્ને શખસની પૂછતાછ શરૂ કરવામાં
આવી હતી. દરમિયાન બપોરના શિવશંકર ચોરસિયાને શ્વાસ લેવામાં તકલીફ પડતા સિવિલ હોસ્પિટલમાં
સારવાર અર્થે ખસેડાયો હતો અને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. દરમિયાન શિવશંકર ચોરસિયાનું
મૃત્યુ નિપજ્યું હતું. તેમજ મુન્ના પાસવાનને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી કરવામાં
આવી હતી અને ફરાર રાજુ નામના શખસને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
આ બનાવના પગલે સુરત જિલ્લા કોંગ્રેસ
દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં
આવ્યું હતું.