મહિલાના ભત્રીજાને સંબંધની જાણ થતાં રસ્તામાં
આંતરી ઢીમ ઢાળી દીધું’તું
જામનગર,
તા.1ર : જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા
અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા વૃદ્ધ ઉદ્યોગપતિની આડાસંબંધના મામલે મહિલાના સગીર
ભત્રીજાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ અંગે પોલીસે
ગુનો નોંધી હત્યારા સગીરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, દિગ્વિજય પ્લોટમાં રહેતા ઉદ્યોગનગરમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા
મનસુખલાલ કે. ખિમસિયા નામના વૃદ્ધ ઉદ્યોગપતિ શંકર ટેકરી પાસે આવેલા શાત્રીનગરમાં ખોડિયાર
માતાજીનાં મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે એક અજાણ્યો સગીર ધસી આવ્યો હતો અને વૃદ્ધ
મનસુખલાલને આડેધડ છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો અને આ બનાવનાં પગલે આસપાસના લોકો
એકઠા થઈ ગયા હતા. તાકીદે મનસુખલાલને હોસ્પિટલમાં ખસેડયા હતા. જેનું સારવાર મળે તે પહેલાં
જ મૃત્યુ નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવ
અંગેની જાણ થતાં મૃતક મનસુખલાલના પરિવારજનો તેમજ અન્ય વેપારીઓ - કારખાનેદારો અને પોલીસ
કાફલો દોડી ગયા હતા. પોલીસે બનાવ સ્થળ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા એક સગીર
કેદ થતાં શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીનાં કલાકોમાં હત્યારા સગીરને ઝડપી લીધો હતો.
આ અંગે
પોલીસે મૃતક મનસુખલાલના પુત્ર મહાવીર ખિમસિયાની ફરિયાદ પરથી સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો
હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મનસુખલાલને હત્યારા સગીરની કાકી સાથે આડા સંબંધ
હોવાની જાણ થતા આ બનાવ બન્યાનું ખૂલ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.