• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

ઇલેક્ટ્રિક સગડી પર રસોઈ કરતી વેળાએ વીજશોક લાગતા માતા-પુત્રનાં મૃત્યુ

 જામનગરનાં ગાડુકા ગામની ઘટના : મહિલાને વીજશોક લાગતાં 13 વર્ષનો પુત્ર માતાને બચાવવા ગયો : બન્નેનાં મૃત્યુથી પરિવારમાં ગમગીની

જામનગર, તા.8 : જામનગરનાં ગાડુકા ગામે વીજશોક લાગતા માતા-પુત્રનાં મૃત્યુ નીપજ્યાની ગંભીર ઘટના સામે આવી છે. ગાડુકા ગામે રહેતી મહિલા ઇલેક્ટ્રિક સગડી ઉપર રસોઈ બનાવતી હતી ત્યારે વીજશોક લાગતા 13 વર્ષનો પુત્ર બચાવવા જતાં તે પણ ઝપટે ચડી જતાં બન્નેના કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ગાડુકા ગામમાં રહેતી હંસાબા રાઠોડ નામની મહિલા શનિવારે રાત્રે પોતાનાં ઘેર ઇલેક્ટ્રિક સગડીમાં રસોઈ બનાવી રહી હતી દરમિયાન તેને એકાએક વીજ આંચકો લાગ્યો હતો અને બેશુદ્ધ બની હતી. જેથી ઘરમાં હાજર તેનો 13 વર્ષનો પુત્ર દિવ્યરાજસિંહ માતાને બચાવવા માટે દોડયો હતો પરંતુ પુત્રને પણ વીજ કરંટ લાગતા માતા-પુત્ર બન્ને બેશુદ્ધ બન્યા હતા. બન્નેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલાં જ માતા-પુત્રનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવથી નાના એવાં ગાડુકા ગામમાં માતા-પુત્ર બન્નેનાં મૃત્યુને લઈને ભારે ગમગીની છવાઈ છે. સમગ્ર મામલાની જાણ થતાં પંચકોશી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ  જી. જી. હોસ્પિટલે દોડી ગયો હતો અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક