જામનગર, તા.8 : નાની ખાવડી વિસ્તારમાં
રહેતા યુવાનની કારમાં ધસી આવેલા અજાણ્યા શખસોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગળું કાપી
હત્યા નીપજાવી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે અજાણ્યા શખસો સામે
ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, નાની
ખાવડી ગામે રહેતા બલભદ્રસિંહ જાડેજા નામના યુવાનની ગામના સીમ વિસ્તારમાંથી ગળું કાપી
હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ તેમજ મૃતકના પરિવારજનો
દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી
તપાસમાં ડ્રાઇવિંગ કામ કરતા મૃતક બલભદ્રસિંહની ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી
ગળું કાપી હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું અને બનાવ સ્થળ નજીકથી કાર મળી આવી
હતી અને બળભદ્રસિંહની હત્યા કરી અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ ગયાની આશંકા વ્યક્ત કરવામાં
આવી રહી છે. પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યે
હતો.