શંકાનો લાભ આપીને પોરબંદર કોર્ટે
આપી રાહત : રાજકોટ સેન્ટ્રલ જેલમાં આજીવન કેદ ભોગવી રહ્યા છે પૂર્વ આઇપીએસ
પોરબંદર, તા.8 : પોરબંદર જિલ્લામાં
26 વર્ષ પહેલાં 1997ના બનેલા પોલીસ કસ્ટડીમાં માર મારવાના બનાવમાં રાજકોટમાં આજીવન
કેદની સજા ભોગવી રહેલા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને પોરબંદરની કોર્ટે શંકાનો લાભ આપીને
દોષમુક્ત જાહેર કર્યા છે.
ફરિયાદી નારણ જાદવ પોસ્તરીયાએ
તા.5/7/1997માં સંજીવ ભટ્ટ અને વજુ ચાઉ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદી
નારણ જાદવ પોસ્તરિયા અને તેના પુત્ર અને ભાઈને પોલીસ કસ્ટડીમાં માર મારી વીજશોક આપ્યાની
ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસમાં ગઈકાલે પોરબંદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ
જજ મુકેશ પંડયાએ શંકાનો લાભ આપી પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા હતા.
કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદ
પક્ષ પાસે આ કેસ સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી, ફરિયાદ પક્ષ આ કેસમાં શંકા સિવાય
કશું સાબિત કરી શક્યું નથી. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ મુકેશ પંડયાએ શનિવારે
સંજીવ ભટ્ટને આઇપીસીની કલમો હેઠળ તેમની સામે નોંધાયેલા કેસમાં શંકાનો લાભ આપીને નિર્દોષ
જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે, તેની કબૂલાત
મેળવવા માટે તેને જેલમાં ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો.
નારણ જાદવ નામની વ્યક્તિની ફરિયાદના
આધારે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પર આ આરોપ લગાવવામાં આવ્યા હતા. જાદવ વર્ષ
1994ના હથિયાર જપ્તીના કેસમાં 22 આરોપીમાંનો એક હતો. પોરબંદર પોલીસની એક ટીમ પાંચમી
જુલાઈ 1997ના રોજ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર જાદવને પોરબંદરમાં
જિલ્લા પોલીસ વડા સંજીવ ભટ્ટના ઘરે લઈ ગઈ હતી. જાદવને તેના શરીરના વિવિધ ભાગો અને પ્રાઇવેટ
પાર્ટ પર પણ ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા હતા. પુરાવાના આધારે કોર્ટે 31મી ડિસેમ્બર,
1998ના રોજ સંજીવ ભટ્ટ સામે કેસ નોંધવાનું કહ્યું હતું અને સમન્સ જારી કર્યું હતું.
15 એપ્રિલ, 2013ના રોજ કોર્ટે
સંજીવ ભટ્ટ અને અન્ય એક કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. જેનો કેસ
નવેમ્બર 2023માં ચલાવવામાં આવ્યો હતો. આ કેસ ઉપર ગુજરાત હાઇ કોર્ટનો સ્ટે હતો, ત્યારબાદ
આ કેસ 2024માં ફરીથી ચલાવવામાં આવ્યો હતો, જેમાં સંજીવ ભટ્ટને રાહત મળી છે. ઉલ્લેખનીય
છે કે, સંજીવ ભટ્ટને અગાઉ 1990માં જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદ અને વર્ષ
1996માં પાલનપુરમાં રાજસ્થાનના વકીલને ફસાવવાના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં
આવી હતી.