• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

સુરતમાં ભત્રીજાના લગ્નપ્રસંગમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરનાર ભાજપ કાર્યકરની ધરપકડ બે યુવાનને ઈજા : પોલીસે આરોપીનું સરઘસ કાઢયું

સુરત, તા.9 : ડીંડોલી વિસ્તારમાં ભત્રીજાના લગ્નપ્રસંગમાં  રિવોલ્વરમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા બે યુવાનને ઈજા પહોંચાડવાના બનાવમાં પોલીસે ભાજપ કાર્યકર સામે ગુનો નોંધી ધરપકડ કરી સરઘસ કાઢયું હતું અને કાયદાનું ભાન કરાવી હથિયાર કબજે કરી લાયસન્સ રદ કરવાની તજવીજ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ભાઠેના વિસ્તારમાં ડેનીશ બેકરીના માલિક અને ભાજપના કાર્યકર ઉમેશ તીવારીના ભત્રીજાના લગ્ન ડીંડોલી વિસ્તારના સુમુખ સર્કલ પાસે સાંઈ શક્તિ સોસાયટીમાં યોજાયા હતા અને ઉમેશ તીવારી તથા મિત્રો લગ્નપ્રસંગમાં ગયા હતા અને મોડીરાત્રીના ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા હતા ત્યારે ઉમેશ તીવારીએ તેની પરવાનાવાળી રિવોલ્વર કાઢી ત્રણ રાઉન્ડ હવામાં અને બે રાઉન્ડ જમીનમાં ફાયરિંગ કર્યા હતા. જેના કારણે સંતોષ હોમસિંગ બધેલ અને વિરેન્દ્ર વિશ્વકર્મા નામના બે યુવાનને ગંભીર ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને બાદમાં ઉમેશ તીવારી વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને બનાવ સ્થળે લઈ જઈ સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે ઉમેશ તીવારીની રિવોલ્વર કબજે કરી લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક