• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

લીંબડીમાં ભાજપના ધારાસભ્યની હોટલે જેતપુરના પિતા-પુત્ર પર હુમલો

હોટલ સંચાલક - સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ

વિરપુર, તા.9 : લીંબડી હાઇ વે પર આવેલી ભાજપના ધારાસભ્યની હોટલના સ્ટાફે જેતપુરના પિતા-પુત્ર પર હુમલો કરી ધમકાવ્યા હતા અને ઈજાગ્રસ્ત પિતા-પુત્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જેતપુરના આધેડે લીંબડી પોલીસમાં હોટલ સંચાલક અને સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, જેતપુરમાં રહેતા હરેશભાઈ ભાલિયા અને તેનો પુત્ર તુષાર તેમજ ભાણેજ વિશ્વાસ સહિતના કાર લઈને અમદાવાદ જવા નીકળ્યા હતા અને મોડી રાત્રીના લીંબડી હાઈ વે પર આવેલી ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની જમુના-હોનેસ્ટ હોટલ ખાતે ચા-પાણી પીવા માટે ઉભા રહયા હતા અને પાનની દુકાને વસ્તુ લેવા ગયા હતા ત્યારે વસ્તુના એમઆરપી કરતા વધારે ભાવ લેતા પૂછતાછ કરતા દુકાનદાર ઉશ્કેરાયો હતો અને હરેશભાઈ અને પુત્ર તુષાર સાથે ઝઘડો કરી અપશબ્દો બોલ્યા હતા અને હરેશભાઈએ ઝઘડો કરવાની ના પાડતા હોટલનો સ્ટાફ એકઠો થઈ ગયો હતો અને બન્ને ફાર્મ હાઉસમાં લઈ લેવાની વાત કરી હતી અને બાદમા પિતા-પુત્ર પર ધોકા-પાઈપથી હુમલો કર્યો હતો અને આ મારામારી દરમિયાન તુષારનો સોનાનો ચેઇન કોઈએ ખેંચી લઈ લૂંટી લીધો હતો અને ઘવાયેલા પિતા-પુત્રને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે હરેશભાઈ ભાલિયાએ લીંબડી પોલીસમાં હોટલના સંચાલક અને સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને બનાવ સમયના સીસીટીવી ફૂટેજ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી હતી. આગામી દિવસોમાં આ અંગે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિરોધ વ્યક્ત કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક