• બુધવાર, 21 મે, 2025

ગોંડલના ચોરડી ગામે વેરહાઉસમાંથી રૂ.7.49 લાખની મગફળીની ચોરી

ગોડાઉનમાં રાખેલી નાફેડની 287 મગફળીની બોરી તસ્કરો ઉઠાવી ગયા : સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું શોધવા તપાસનો ધમધમાટ

ગોંડલ, તા.22: ગોંડલ ચોરડી ગામે આવેલા વેર હાઉસમાંથી નાફેડની રૂ.7.49 લાખની મગફળીની 287 બોરીની ચોરી થયાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. ચોરીના આ બનાવને લઇ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીની ટીમે પણ તપાસ ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે હાલ ગોંડલ ગુંદાળા ચોકડી પાસે રામકૃષ્ણ સોસાયટીમાં રહેતાં અરવિંદ રામકેશભાઈ મીણા (ઉં.વ.30)એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ તથા જસદણમાં કેન્દ્રીય ભંડાર નીગમમાં સહાયક તરીકેના હોદા પર ફરજ બજાવે છે. ચોરડી ગામે હરસિદ્ધિ કેટરફીડ નામનુ ગોડાઉન કંપનીએ 11 મહિનાના ભાડા પેટે રાખેલુ છે. આ ગોડાઉનમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરીને ભરી હતી.

તા.21મીએ તેઓ ઘરે હતાં ત્યારે કંપનીના સુપર વાઇઝર રવી મકવાણાએ ફોન કરી ગોડાઉનના દરવાજાના તાળુ તૂટેલું છે અને બહાર મગફળી ઢોળાયેલી હોય તેવી જાણ કરતાં તેવો ગોડાઉને પહોંચ્યા હતા અને ગોડાઉનમાંથી 287 મગફળીની બોરીઓની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે સુપરવાઈઝર રવી મકવાણાને પૂછતા તેણે કહ્યું હતું કે, ગઇ તા.19ના ગોડાઉન પર આવ્યો હતો અને સાંજના સાડા છએક વાગ્યે ગોડાઉન બંધ કરી તાળું મારી ઘરે જતો રહ્યો હતો, આ વખતે ગોડાઉનમાં રહેલા સાતેય સ્ટેગની બોરીઓ બરાબર હોવાનુ જણાવ્યું હતું. જેથી તા.19થી તા.21ના સવારના દરમિયાન ચોરી થઇ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ટોળકીને ઝડપી લેવા સ્થાનિક પોલીસે ઉપરાંત એલસીબીએ તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક