સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. સુરેશભાઇ દાફડાની વંડા ખાતે તથા કોન્સ્ટેબલ પ્રભાતાસિંહ ગોહિલની વડિયા પોલીસ સ્ટેશન બદલી
અમરેલી,
તા.22: અમરેલીના લાઠી રોડ પર આવેલી એક પોલીસ ચોકીમાં દારૂની બોટલો પડેલી હોય તેવો એક
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વાયરલ વીડિયો એક મહિલા દ્વારા ચોકીમાં
જઈને અને લાઈવ મૂક્યો હતો. અને આ મહિલા પોતે ત્યાં ગઈ ત્યારે દારૂ પીતા બે ઈસમ પોલીસ
ચોકીની બહાર નીકળી ગયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
આ બનાવમાં
અમરેલીમાં રહેતા પ્રિયાબેન માધવાણી નામની મહિલા દ્વારા લાઠી રોડ પર આવેલી પોલીસ ચોકીમાં
જઈને એક વીડિયો લાઈવ કરવામાં આવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં
આવ્યો છે. આ સાથે આ મહિલા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે અમરેલીમાં લાઠી રોડ
પર આવેલી પોલીસ ચોકીમાં સાંજના 4 :45 વાગ્યે પોતાની ફરિયાદના કામે ગયા હતા. ત્યારે
ચોકીનો દરવાજો ખોલતા જ પોલીસ દારૂ પીતા હતા. અને ત્યારબાદ બે પોલીસ ત્યાંથી ભાગી ગયા
હતા, તેવો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં મહિલા દારૂ અંગે પૂછે છે. તેમાં એક કર્મચારીએ
જણાવ્યું કે પોલીસ ચોકીમાં આ બોટલો જે છે તે પોલીસે જે દારૂ પકડયો હોય, જેને જૂનાગઢ
એફએસએલમાં મોકલવા માટેની બોટલ છે. આ અંગે તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
એસપી
સંજય ખરાતએ જણાવ્યું કે, આ વીડિયોમાં પોલીસ કર્મચારીઓ દારૂ પીતા હોય એવું કશું દેખાતું
નથી. જે મહિલા દ્વારા પોલીસ સામે આ પ્રકારનો આરોપ મુકવામાં આવ્યો છે તેના પતિ સામે
દારુની જુદી જુદી ફરિયાદો નોંધાયેલી છે.
જો
કે મળતી માહિતી મુજબ આ બનાવને લઇ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. સુરેશભાઇ દાફડાને
વંડા પોલીસ સ્ટેશન ખાતે તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રભાતાસિંહ ગોહિલને વડિયા પોલીસ સ્ટેશન
ખાતે બદલી કરવામાં આવી છે.