• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

વંથલીના ધણફુલીયા ગામે વાડીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

પ્રાથમિક તપાસમાં વીજશોકથી મૃત્યુની આશંકા

જૂનાગઢ,તા.18ઃ વંથલી તાલુકાના ધણફુલીયા ગામની એક વાડીમાંથી અંદાજે ચાર થી પાંચ વર્ષના સિંહનો મૃતદેહ મળી આવતા વનતંત્ર ચોકી દોડતું થયું હતું. તપાસ કરતા મૃતદેહ પાસે ફેન્સીંગમાં વીજ પ્રવાહ ગોઠવેલો હોવાનું બહાર આવતા વીજ શોકથી સિંહનું મૃત્યુ થયાની શંકા મજબૂત બની છે.

ખેતીના પાકને રોઝ, ભૂંડ જેવા પ્રાણીઓ નુકસાન કરતા હોય તેથી અમુક ખેડૂતો વાડીના શેઢે ફેન્સીંગમાં વીજ પ્રવાહ

ગોઠવે છે. તેમાં પાકને નુકશાન કરનારાને બદલે નિર્દોષ પ્રાણીઓનો ભોગ લેવાય છે. ધણફુલીયા ગામના એક ખેડૂતે પોતાની વાડીના શેઢે ફેન્સીંગ ગોઠવી તેમાં વીજ પ્રવાહ વહેતો કર્યો હતો. જેમાં અંદાજે ચાર થી પાંચ વર્ષનો સિહ પસાર થતાં તેને શોક લાગતા મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.  આ અંગેની જાણ થતા વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહ નજીક તપાસ કરતા ફેન્સીંગમાં વીજ પ્રવાહ વહેતો કરાયેલું જણાયું હતું. તેથી આ સિંહનું મોત વીજ શોક લાગવાથી થયા હોવાનું મનાય રહ્યું છે. હાલ મૃતદેહને સક્કરબાગ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને એફ.એસ.એલ.ની મદદ લઈ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક