• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

હોર્મુઝમાં ફરી જહાજ ઉપર હુમલો ઃ ભારતીય નાવિક હતા સવાર

ત્રણ દિવસમાં બીજો બનાવ ઃ લાઈબેરિયાના જહાજને નિશાન બનાવવામાં આવ્યું, ક્રૂ સુરક્ષિત હોવાના અહેવાલ

નવી દિલ્હી, તા. 18 ઃ હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ સમુદ્રી જહાજો ઉપર હુમલાના બનાવ સતત બની રહ્યા છે. બુધવારે ભારતીય નાવિકોને લઈને જઈ રહેલા વધુ એક ઓઈલ ટેંકરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ટેંકર ઉપર પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. લાઈબેરિયાનો ઝંડો ધરાવતા ઓઈલ ટેંકર એમટી નાવી મેસી ફારસની ખાડીમાં હોર્મુઝ તરફ આગળ વધી રહ્યું હતું તેવા સમયે હુમલો થયો હતો. આ પહેલા 17 નવેમ્બરના રોજ પનામાનો ઝંડો ધરાવતા એક જહાજ ઉપર હુમલો થયો હતો. જેમાં 24 ભારતીય સવાર હતા.

હુમલાની ઘટના અંગે જળ માર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જાણકારી આપી હતી. સોનોવાલ અનુસાર જહાજ ઉપર ત્રણ ભારતીય નાવિક સવાર હતા અને ભારતીયો સહિત તમામ ક્રૂ સુરક્ષિત છે. જો કે એક ભારતીય અધિકારીને ઉપચાર અને તપાસ માટે હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા. કોઈને ગંભીર ઈજા થવાના અહેવાલ સામે આવ્યા હતા. સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર કહ્યું હતું કે, સરકાર સ્થિતિ ઉપર પુરી નજર રાખી રહી છે. જહાજનું સંચાલન કરનારી કંપનીના સંપર્કમાં પણ અધિકારી છે. જેથી નાવિકોની સુરક્ષા, મેડિકલ સુવિધા અને કલ્યાણ સુનિશ્ચિત કરી શકાય. શરૂઆતમાં હુમલા પાછળ કોનો હાથ છે અને જહાજને કેટલું નુકસાન થયું છે તે અંગે કોઈ માહિતી સામે આવી નહોતી.

આ પહેલા 16મી નવેમ્બરના રોજ પનામાનો ધ્વજ ધરાવતા એલપીજી ટેંકર તારા ગેસને પણ હોર્મુઝમાંથી પસાર થતા સમયે નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે તેની જાણકારી 17મીએ સામે આવી હતી. આ જહાજ ઉપર કુલ 25 ક્રૂ સભ્યોમાં24 ભારતીય નાવિક સામેલ હતા. હુમલા બાદ તમામ ભારતીય નાવિક સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક