વેલિંગ્ટનમાં
ટીમ ઇન્ડિયા 58 વર્ષથી ટેસ્ટ વિજયથી વંચિત
વેલિંગ્ટન,
તા.18: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા
માટે ભારતીય ટીમે હરહાલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધની બે મેચની ટેસ્ટ શ્રેણી જીતવી પડશે.
જેની શરૂઆત ગુરુવારથી વેલિંગ્ટનમાં થઇ રહી છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયા પાછલા પ8 વર્ષથી
ટેસ્ટ વિજયથી વંચિત છે. પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ સામે કિવિઝ ઝડપી બોલિંગનો અને અહીંની
બાઉન્સી પિચનો સામનો કરવાનો કઠિન પડકાર બની રહેશે. આ મુકાબલામાં યુવા કપ્તાન શુભમન
ગિલની ક્ષમતા અને હેડ કોચ ગૌતમ ગંભીરની રણનીતિની પણ કસોટી થશે. મેચ વહેલી સવારે 3-30થી
શરૂ થવાનો છે.
ડબ્લ્યૂટીસી
ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયાએ બાકી બચેલા તમામ 7 ટેસ્ટ મેચમાંથી ઓછામાં ઓછા
6 મેચ જીતવા જરૂરી છે. આથી ન્યુઝીલેન્ડ વિરુદ્ધની એક હાર પણ ગિલની ટીમને મોંઘી પડી
શકે છે. જો કે ન્યુઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવી ભારત માટે હંમેશા કઠિન રહી
છે.
ન્યુઝીલેન્ડની
ઝડપી બોલર ત્રિપુટી મેન હેનરી, કાઇલ જેમિસન અને જેકોબ ડફી સાથે ભારતીય ટોપ ઓડર્સ બેટર્સની
કસોટી નિશ્ચિત છે. આથી કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડીકકલ, કપ્તાન શુભમન ગિલ,
ઋષભ પંત ઉપર મોટી જવાબદારી રહેશે.
ગિલનો
ટોસ જીતવામાં સારો રેકોર્ડ છે. જો ગુરુવારે સવારે તે ટોસ જીતશે તો બોલિંગ પસંદ કરી
શકે છે. તે પહેલાથી જ સંકેત આપી ચૂક્યો છે કે ભારતીય ઇલેવનમાં ચાર ઝડપી બોલર હશે. આથી
ઓલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડી લગભગ ઇલેવનમાં હશે. બુમરાહના આગમનથી ભારતની બોલિંગ ધાર
વધુ તેજ બની છે. તે અને સિરાજ સાથે ઇલેવનમાં વધુ એક નિયમિત ઝડપી બોલર હશે. જે માટે
પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનુર બરાડ વચ્ચે રેસ છે. બરાડ સારા ફોર્મમાં છે અને તે ટેસ્ટ
ડેબ્યૂ કરી શકે છે.
બીજી
તરફ ન્યુઝીલેન્ડ ટીમ ટી-20 અને વન ડે શ્રેણી ગુમાવ્યા બાદ જીતની રાહ પર વાપસી માટે
ભરપૂર પ્રયાસમાં રહેશે. વન ડે શ્રેણીમાં વિલ યંગના ફોર્મમાં પાછા ફરવાથી અને રચિન રવીન્દ્રની
વાપસીથી કિવિઝ ટીમ મજબૂત બની છે. કપ્તાન ટોમ લાથમ, ડેરિલ મિચેલ, ડવેન કોન્વે, ગ્લેન
ફિલિપ્સ, ટોમ બ્લંડેલના રૂપમાં કિવિઝ પાસે સારા બેટર્સ છે. જે ભારતીય બોલર્સને હંફાવી
શકે છે.