બગસરામાં કોર્ટ મેરેજનું મનદુ:ખ રાખી પાંચ શખસો સ્કોર્પિયો લઈને યુવતીના ઘરમાં ઘૂસ્યા, કારમાં બેસાડયા બાદ ભૂલ સમજાતાં રસ્તામાં જ ધક્કો મારી ઉતારી ફરાર
અમરેલી,
તા. 17: બગસરામાં કોર્ટ મેરેજના મનદુ:ખમાં યુવતીનું અપહરણ કરવા આવેલા પાંચ શખસ પાર્વતીને
બદલે તેની નણંદને જ ઉઠાવી ગયા હતા. જોકે, કારમાં યુવતીને બેસાડયા બાદ તે પાર્વતી નહીં
પરંતુ તેની નણંદ હોવાનું ધ્યાનમાં આવતાં આરોપીઓએ તેને રસ્તામાં જ કારમાંથી ધક્કો મારી
નીચે ઉતારી દીધી હતી.
બનાવની
વિગતો મુજબ, બગસરાના નટવરનગરમાં રહેતા કરશનભાઈ મેવાડાની 20 વર્ષીય પુત્રી કિંજલના ભાઈ
મનીષે બે મહિના પહેલાં જાફરાબાદના મીઠાપુર ગામના કરશનભાઈ ભોપાભાઈ લામકાની પુત્રી પાર્વતી
સાથે પરિવારની સંમતિ વિના કોર્ટ મેરેજ કર્યા હતા. આ બાબતનું મનદુ:ખ રાખી લાલભાઈ ગમારા
(રહે. ગિરગઢડા), ગોપાલભાઈ લામકા (રહે. મીઠાપુર) સહિત પાંચ શખસ સ્કોર્પિયો કારમાં કિંજલના
ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ ઘરની દીવાલ ઠેકીને ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. રૂમનો દરવાજો
અંદરથી બંધ હોવાથી પાટા મારી દરવાજો તોડી નાખ્યો હતો. ત્યારબાદ પાર્વતીને પતાવી દેવાની
ધમકી આપી રૂમમાં ઘૂસી કિંજલના હાથ અને વાળ પકડી તેને ઢસડીને કારમાં બેસાડી અપહરણ કર્યું
હતું.
કિંજલે
બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થયા હતા. દરમિયાન કારમાં બેઠેલા ગોપાલ લામકાને યુવતી
પાર્વતી નહીં પરંતુ તેની નણંદ કિંજલ હોવાનું સમજાતાં તેને રસ્તામાં જ કારમાંથી ધક્કો
મારી ઉતારી દીધી હતી. ત્યારબાદ પાંચેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે કિંજલે પાંચેય
શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.