• મંગળવાર, 29 એપ્રિલ, 2025

ડેડાણમાં દીકરીની હત્યા કરનાર પિતાની ધરપકડ

દીકરીને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતા હત્યારો બન્યો, દીકરીનું ગળું દબાવીને કરી હતી હત્યા

અમરેલી, તા.25 : ખાંભા તાલુકાના ડેડાણ ગામની ઈશિકાબેન ખોખર નામની યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતો અને તે તેની સાથે લગ્ન કરવા માગતી હતી. જો કે, તેના પિતા મજીદભાઈ ગુલાબભાઈ ખોખરને આ સંબંધ મંજૂર ન હોય, તેઓ સમાજમાં પોતાની આબરૂ જવાની બીકે દીકરીને તેના પ્રેમી સાથે લગ્ન કરવા દેવા માંગતા ન હતા. પરિણામે સગી દીકરી ઈશિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક ઈશિકાબેનના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પિતા મજીદભાઈ ખોખરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આશ્ચર્યની વાત છે કે, મૃતક ઈશિકાને કાના નામ યુવક સાથે પ્રેમસંબંધ હતો, પણ પિતા મજીદભાઈ અને માતા મુમતાઝબેનને એ મંજુર ન હોય. જેથી છેલ્લા ઘણા સમયથી ઘરમાં કંકાશ ચાલતો હતો. આ દરમિયાન તા.24ના રાત્રે અઢી વાગ્યાના અરસામાં ઇશિકાએ 181 અભયમ્ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ માગી હતી. જેથી અભયમ્ ટીમ ડેડાણ ગામે પહોંચતા માતા મુમતાઝબેને દરવાજો ખોલ્યો અને ઈશિકા સુતી હોવાનું કહ્યું હતું. જેથી તેમને જગાડવાનું કહેતા માતાએ આનાકાની કરી, હતી. જેથી શંકા જતાં અભયમ્ ટીમે રૂમમાં જઈને જોતા ઈશિકા પથારીમાં બેભાન જેવી હાલતમાં હતી. પરિણામે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ટીમે આવીને તપાસ કરતા તેણીનું મૃત્યુ પામ્યાનું જણાયું હતું. તેને ગળાના ભાગે નિશાન પણ હોવાથી પોલીસને જાણ કરતા દોડી આવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ મામલે પોલીસે મૃતક ઈશિકાની માતા મુમતાઝબેનની આગવીઢબે પુછપરછ કરતા ભાંગી પડયા હતા અને રડતા રડતા કબુલ્યું કે, દીકરી ઈશિકાના લગ્ન નક્કી થયા હતા, પણ તેને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હતો. જે અન્ય ધર્મનો હોવાથી આબરૂ જવાની બીકે તેણીના પિતા મજીદભાઈ ખોખરે રાત્રે અઢી વાગ્યાના અરસામાં તેણીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જેથી ખાંભાના પીઆઈ આર.જી. ચૌહાણે ખુદ ફરિયાદ બનીને ગુનો દાખલ કરી ફરાર પિતા સામે વધુ તપાસ હાથ ધરી અને આરોપીની અટકાયત કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક