પોરબંદર તા.9: રાણાવાવની ગ્રીન સીટી સોસાયટીમાં રહેતી શાંતિબેન રણમલભાઇ ભુતીયા નામની 43 વર્ષની મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન વર્ષ 2000ની સાલમાં મિત્રાળા ગામે રહેતા રણમલ રામ ભુતીયા સાથે થયા હતા. તેના પતિ રણમલ બી.એસ.એફ.માં છેલ્લા 30 વર્ષથી નોકરી કરે છે અને હાલ તેઓ છતીસગઢ ખાતે ફરજ બજાવે છે. સાતેક વર્ષથી ફરીયાદી શાંતિબેન તેમના સાસુ અને પુત્રીઓ સાથે રાણાવાવ રહે છે. જયારે પતિ રજા ઉપર આવતા ત્યારે દારૂ પીને શાંતિબેન ઉપર શંકા -કુશંકા કરી ગાળો દઇને ઝઘડો કરતા હતા. પરંતુ કોઇ પોલીસ ફરિયાદ કરતા ન હતા. તા. 7-5ના રાત્રિના સમયે શાંતિબેન તથા તેના સાસુ અને દીકરી રીના ઘરે સુતા હતા અને તેના પતિ રણમલ રામ ભુતીયા નોકરી ઉપરથી રજા આપતા એકાદ વાગ્યે ઘરે આવીને પત્ની શાંતિબેનને જગાડયા હતા અને શંકા-કુશંકા રાખી ગાળો બોલી ઝપાઝપી કરી શાંતિબેનને માર મારવા લાગ્યા હતા. તેથી શાંતિબેન તેની દીકરી રીના સાથે ઘરની બહાર નીકળી ગયા હતા અને પતિએ હવે તું ફરીથી અહી આવીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. કુતિયાણા પોલીસ સ્ટેશન આવીને શાંતિબેને પતિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા કુતિયાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.