આરોપીના પરિવારજનો ઘરે સામાન લેવા જતા ભોગ બનનારના પરિવારજનોએ હુમલો કર્યો
ધ્રાંગધ્રા,
તા.18: ધ્રાંગધ્રાના મોચીવાડ વિસ્તારમાં રહેતા શાહરૂખભાઇ મોવર પોતાના મિત્રને સમાધાન
કરાવવા ધોરીધાર ખાતે રહેતા આરીફભાઇ રસુલભાઇ સધવાણી પાસે ગયા હતા સામાન્ય બોલાચાલી બાદ આરીફ સંધવાણીએ શાહરૂખભાઇ મોવર પર છરી વડે હુમલો
કર્યો હતો, જેના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા શાહરૂખભાઇનું મૃત્યુ નીપજ્યું હતું. આ
મામલે આરીફ રસુલભાઇ સધવાણી સહિત બે મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધાયા બાદ પોલીસે ત્રણેય
આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપી આરીફ અને
તેની બહેન સહિત ત્રણેયને જેલ હવાલે કર્યા હતા. આરોપી આરીફના પરિવારજનો ધ્રાંગધ્રાના
ધોરીધાર તેમના મકાનમાંથી સામાન ભરવા આવ્યા
હતા. તેની જાણ મૃતક યુવાનના પરિવારજનોને થતા ટોળા રૂપે ધોરીધાર વિસ્તારમાં પહોંચી આરીફના
પરિવાર પર હુમલો કર્યો હતો આ હુમલાની ઘટનામાં આરીફના પરિવારજનોની મદદમાં આવેલા સાહિલ
કુરેશી નામના યુવાનને છરી વડે ઇજા થઇ હતી. બનાવની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે
પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. ઇજાગ્રસ્ત સાહિલ કુરેશીને
તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હુમલાખોર ટોળા વિરૂધ્ધ
ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.