તમામ ફલાઈટ રોકવામાં આવી : કાર્ગો વિલેજ વિસ્તારમાં આગ ફાટી નીકળતા અફરાતફરી
ઢાકા,
તા. 18 : બંગલાદેશની રાજધાની ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે રહેલા કાર્ગો
વિલેજ વિસ્તારમાં શનિવારે બપોરે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓ અનુસાર આ વિસ્તાર સામાન્ય
રીતે આયાત કરવામાં આવેલા સામાનને રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઢાકાના ફાયર
બ્રિગેડ વિભાગ અનુસાર આગની તીવ્રતા ખુબ જ ગંભીર હતી. જેને કાબૂમાં લેવા 32 યુનિટને
સ્થળ ઉપર મોકલી દેવાયા હતા.
એરપોર્ટના
કાર્યકારી ડાયરેક્ટરના પ્રવક્તા મસુદુલ હસન મસુદના કહેવા પ્રમાણે આગ કાર્ગો વિલેજ નજીકના
ભાગમાં લાગી હતી. ફાયર સર્વિસ, બંગલાદેશ એરફોર્સ
અને એરપોર્ટ કર્મચારી મળીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા હતા. આગ લાગ્યા બાદ
ચાર ફલાઈટને ચટગાંવ એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. વધુમાં ઘણા વિમાનોને હેંગરમાંથી હટાવીને સુરક્ષિત સ્થળે લઈ
જવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીના પ્રવક્તાએ કહ્યું હતું કે એરપોર્ટે તમામ વિમાન
સુરક્ષિત છે અને જાનહાનીના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. જો કે આયાત કરેલા સામાનને આ
આગમાં નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગની તીવ્રતા
એટલી હતી કે તેમાંથી નીકળતા ધુમાડાના કારણે આસપાસના વિસ્તારની હવા પણ પ્રદૂષિત થઈ હતી.