• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

ભારતનું ગોલ્ડ રિઝર્વ પહેલી વખત 100 અબજ ડોલરને પાર

ગોલ્ડ રિઝર્વની કિંમતમાં 3.6 અબજ ડોલરની વૃદ્ધિ, કિંમત 102.4 અબજ ડોલરે પહોંચી

નવી દિલ્હી, તા. 18 : ધનતેરસના દિવસે ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સોનાની વધતી કિંમત વચ્ચે 10 ઓક્ટોબરના રોજ સમાપ્ત સપ્તાહમાં ભારતનો સ્વર્ણ ભંડાર (ગોલ્ડ રિઝર્વ) પહેલી વખત 100 અબજ ડોલરને પાર થયો છે. સોનાનું મૂલ્ય 3.6 અબજ ડોલર વધીને 102.4 અબજ ડોલર થયું છે. જ્યારે કુલ વિદેશી મુદ્રા ભંડાર 2.2 અબજ ડોલર ઘટીને 697.8 બિલિયન ડોલર થયો છે.

કુલ ભંડારમાં સોનાની હિસ્સેદારી વધીને 14.7 ટકા થઈ છે. જે 1996-97 બાદથી સૌથી વધારે છે. આ વૃદ્ધિ છેલ્લા એક દશકમાં મુલ્યાંકન લાભ અને સ્થિર સંચય બન્નેને દર્શાવે છે. જેમાં હિસ્સેદારી 7 ટકાથી લગભગ બમણી થઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના ડેટા અનુસાર કેન્દ્રીય બેંકે 2025ના પહેલા નવ મહિનામાંથી માત્ર ચાર મહિના જ સોનું ખરીદ્યું છે. જ્યારે 2024માં દર મહિને વધારો જોવા મળ્યો હતો.

જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી કુલ ખરીદી માત્ર ચાર ટન રહી હતી. જે પહેલાના વર્ષના સમાન ગાળામાં થયેલી 50 ટનની ખરીદી કરતા ખુબ ઓછી છે. વૈશ્વિક અસ્થિરતાના કારણે સોનાની કિંમતમાં છેલ્લા એક વર્ષમાં જોરદાર તેજી જોવા મળી છે. છેલ્લા બે વર્ષમાં સોનાએ 117 ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં 158 ટકા રિર્ટન આપ્યું છે. જ્યારે એક દશકમાં સોનાની કિંમત 250 ટકાથી વધુ વધી ચુકી છે. ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સોનાનો ઉપભોક્તા દેશ છે અને પોતાની માગ પુરી કરવા માટે આયાત ઉપર નિર્ભર છે.

--------

ધનતેરસ ઉપર 1 લાખ કરોડનો કારોબાર

લોકોએ ખરીદ્યા 60 હજાર કરોડ રૂપિયાથી વધુના સોના-ચાંદી : કૈટ અનુસાર દિલ્હીમાં જ 10 હજાર કરોડથી વધારેની ખરીદી

નવી દિલ્હી, તા. 18 : દેશભરમાં ધનતેરસ ઉપર બજારોમાં જોરદાર ખરીદી જોવા મળી છે. અનુમાન અનુસાર ચાલુ વર્ષ પુરા દેશમાં 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે. જેમાંથી 60 હજાર કરોડ રૂપિયાનો સોના ચાંદીનો કારોબાર રહ્યો છે. દિલ્હીમાં જ સોના-ચાંદીનું વેચાણ 10 હજાર કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે.

સોના-ચાંદીની વધેલી કિંમત છતાં ગ્રાહકોએ પરંપરાને નિભાવતા ઘરેણા, સિક્કા અને અન્ય વસ્તુની ખરીદી કરી છે. ગયા વર્ષે દિવાળીના સમયે સોનાનો ભાવ લગભગ 80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જે આ વખતે વધીને 1,30,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો છે. ચાંદીની કિંમત પણ 98,000 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 1,80,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય મહામંત્રી અને દિલ્હીના ચાંદની ચોકથી સાંસદ પ્રવીણ ખંડેલવાલના કહેવા પ્રમાણે ચાલુ વર્ષે ધનતેરસ  ઉપર પુરા દેશમાં સોના ચાંદી થતા અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓનો કુલ વ્યાપાર 1 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. જ્યારે સોના-ચાંદીના ઘરેણા, સિક્કા અને અન્ય વસ્તુઓનો કારોબાર 60 હજાર કરોડ રૂપિયાને પાર થયો છે. દિલ્હીમાં આ કારોબાર 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે. જે ગયા વર્ષની તુલનામાં 25 ટકાથી વધારે છે. ખંડેલવાલે કહ્યું હતુ કે ધનતેરસે તાંબુ, ચાંદી અને સ્ટીલના નવા વાસણ, રસોઈ ઉપકરણ અને પૂજા સામગ્રીની ખરીદી શુભ ગણવામાં આવે છે.

 આધુનિક સમયમાં લોકો મોબાઈલ, લેપટોપ, ટેબલેટ અને ઈલેકટ્રોનિક ઉપકરણને પણ શુભ માને છે. આ વ્યાપાર વૃદ્ધિના પ્રમુખ કારણમા જીએસટી દરોમાં કાપ રહ્યો છે. ઉપભોક્તા સ્થાનિક અને દેશી પ્રોડક્ટસને પ્રાથમિકતા આપી રહ્યા છે. જેનાથી નાના વેચારીઓ અને નિર્માતાઓને લાભ મળ્યો છે. કૈટ અને ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોડાના કહેવા પ્રમાણે સોના ચાંદીના વેચાણમાં જોરદાર વૃદ્ધિ થઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક