પોરબંદર,
તા.18: પોરબંદરથી 140 નોટિકલ દૂર દરિયામાં સ્પીડ બોટના માધ્યમથી ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિને
એ.ટી.એસ.ની ટીમે નાકામયાબ બનાવ્યા બાદ પકડાયેલા બે ઈરાની ઈસમોને પોરબંદરની કોર્ટમાં
14 દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
ગુજરાત
એ.ટી.એસ.ની ટીમે પોરબંદરથી 140 નોટિકલ માઈલ દૂર દરિયામાં ઈરાન ખાતેથી લાવવામાં આવેલા
203 કિલો ડ્રગ્સના પેકેટ સાથે સ્પીડ બોટ પકડી પાડી હતી અને એ બોટમાંથી પકડાયેલા ઈરાનના
બે ઈસમો અબ્દુલ મજીદ ઈસ્માઈલ અને અબ્દુલ સતાર કાદરબક્ષને પોરબંદર લાવવામાં આવ્યા બાદ
સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બુધવારે તેઓને કોર્ટમાં
રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં
રિમાન્ડના મુખ્ય મુદ્દાઓમાં પકડાયેલા બે ઈરાની નાગરિકો એવા આ આરોપીઓ સાથે સંડોવાયેલા
કોણ છે ? માલ કોણે મોકલાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો ? તથા ભૂતકાળમાં આવી પ્રવૃત્તિઓ
કરી છે કે કેમ ? સહિતની વિગતો બહાર લાવવા માટે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા
અને કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું એસ.ઓ.જી. ના પી.આઈ.
માથુકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે તેઓ પાસેથી એક મોબાઇલ ફોન કબજે કરવામાં
આવ્યો છે જેમાં અનેક ડેટા મળી આવ્યા છે તેના આધારે સુરક્ષા એજન્સીઓ દ્વારા આગળની તપાસ
હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત પકડાયેલા ઈસમોની પણ પૂછપરછ હાથ ધરાઈ છે.