ભાવનગર તા.10: બેન્કની ડેટા સિક્યુરિટીમાં ગાબડું પાડીને હેકર્સે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની વિવિધ શાખાઓમાંથી અંદાજે સાત કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રવિવારની રજાના દિવસે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ડેટા હેક કરીને આ મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેની જાણ સોમવારે સવારે બેન્ક ખુલતાની સાથે જ થતા હડકંપ મચી ગયો છે.
ઘટનાની
ગંભીરતાને ધ્યાને લઈને હેડ ઓફિસ દ્વારા જિલ્લાની તમામ 88 શાખાઓની કામગીરી તાત્કાલિક
અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે. બેન્કના ડેટા અને સિક્યુરિટી સિસ્ટમમાં થયેલી આ છેડછાડની
તપાસ માટે 25 જેટલા નિષ્ણાતોની ટીમ કામે લગાડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સિદસર
અને સુભાષનગર સહિતની 3 થી 4 શાખાઓમાં આ ફ્રોડ થયું હોવાનું જણાયું છે, જોકે આ આંકડો
હજુ વધવાની શક્યતા સેવાઈ રહી છે. આ કૌભાંડમાં જાણકાર દ્વારા બેન્કની મોબાઈલ એપ્લિકેશનનો
ઉપયોગ કરી સિસ્ટમ હેક કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ છે. આ તપાસ દરમિયાન ચાર અલગ-અલગ
મોબાઈલ નંબરો શંકાના દાયરામાં આવ્યા છે, જેમાંથી એક નંબર ‘600’ થી શરૂ થતો હોવાનું
જાણવા મળ્યું છે. આ નંબરો કોના છે અને ક્યાંથી ઓપરેટ થતા હતા તે દિશામાં તપાસ તેજ કરવામાં
આવી છે.