પેટ્રોલ-ડીઝલમાં મુશ્કેલી નથી, રાંધણ ગેસમાં હાલ પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ : તંત્ર
રાજકોટ,
તા. 10: ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ક્રૂડ ઓઇલમાં ભડકો થયો છે. ક્રૂડની
અછત વચ્ચે ભાવ વધતાં અને સપ્લાય ઘટતાં સૌપ્રથમ રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના સિલિન્ડરોના
વપરાશમાં મુશ્કેલી સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થવાની શક્યતાં નકારી શકાતી નથી. દેશના
કેટલાક રાજ્યોમાં અત્યારથી રાંધણ ગેસની અછત ઉભી થવાની સ્થિતિ આવી ગઈ છે. બેંગાલુરૂ
જેવા મેટ્રો સિટીમાં રાંધણ ગેસની અછતને લીધે એકસાથે 7 હજાર જેટલી રેસ્ટોરન્ટ બંધ થઈ
છે. અન્ય શહેરોમાં પણ રાંધણ ગેસની અછતનો દુપ્રભાવ પડી શકે છે. રાજકોટમાં પણ કોમર્શિયલ
ગેસ સિલિન્ડર મેળવવામાં સ્થિતિ મુશ્કેલ થતી જાય એવી ભીતિ સેવાઈ રહી છે.
આ
મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે માધ્યમોને જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેર-જિલ્લામાં
પેટ્રોલ-ડીઝલમાં કોઇ મુશ્કેલી નથી સાથોસાથ રાંધણ ગેસમાં પણ હાલ પુરતા પ્રમાણમાં જથ્થો
ઉપલબ્ધ છે. બીજી તરફ કોમર્શિયલ સિલિન્ડરમાં મુશ્કેલી વધી છે. હોટલ, રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં
લેવાતાં કોમર્શિયલ સિલિન્ડરનો સ્ટોક ઓછો હોવાની વિગતો બહાર આવી છે. આમ છતાં પુરવઠા
અધિકારી ઓઇલ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે.
રાજકોટના
જાણીતા હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકના કહેવા અનુસાર હાલ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઓર્ડર
મુજબ મળી રહે છે. આગામી દિવસોમાં સ્થિતિ વિકટ બને તો કહેવાય નહીં.
------
સોની
બજાર, હોટેલ-રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડના ધંધાર્થીઓ સામે તોળાતી કાર્યવાહી
સોની બજારથી માંડી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય પદાર્થોની
રેંકડી, ફાસ્ટફૂડના ધંધાર્થીઓ રાંધણ ગેસનો ઉપયોગ કરે છે કે કેમ ? તેની તપાસ તંત્ર કરશે
અને અનઅધિકૃત રીતે વધારે પડતા ઉપયોગ સામે ટૂંક સમયમાં તંત્રની કાર્યવાહી તોળાઈ રહી
છે. આ ઉપરાંત ગેસ એજન્સીમાંથી પણ મોટો જથ્થો બારોબાર સપ્લાય કરવા જેવી પ્રવૃત્તિ સામે
કાર્યવાહી કરવામાં આવશે. એકંદરે રાજકોટમાં અઢીથી ત્રણ લાખ ગ્રાહકોને રાંધણ ગેસના સિલિન્ડર
મળી રહે તેવું આયોજન કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.