• બુધવાર, 11 માર્ચ, 2026

ઈરાન યુદ્ધમાં રશિયા વિજેતા!

ઈયુનાં પ્રમુખ કોસ્ટાએ કહ્યું, ઓઈલનો ભાવ ઉંચકાતા રશિયાને સૌથી મોટો લાભ : યુક્રેન ઉપરથી ધ્યાન ફંટાયું

નવી દિલ્હી, તા.10: યુરોપીયન યુનિયન(ઈયુ) કાઉન્સીલનાં પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ એક સૂચક વિધાનમાં કહ્યું હતું કે, મધ્યપૂર્વનાં યુદ્ધમાં જો કોઈ વિજેતા સાબિત થઈ રહ્યું હોય તો એ માત્ર રશિયા છે. તેમનાં કહેવા મુજબ યુદ્ધનો સૌથી મોટો લાભ રશિયાને થયો છે.  કોસ્ટાએ આજે બ્રસેલ્સમાં ઈયુનાં રાજદૂતોને સંબોધતા કહ્યું હતું કે, અખાતમાં વધતા તનાવ અને યુદ્ધનાં કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસની કિંમતો વધી રહી છે. ઊર્જા કિંમતોમાં થયેલા આ વધારાથી રશિયાને મોટો આર્થિક લાભ મળી રહ્યો છે.

રશિયા ઓઈલ અને ગેસનો મોટો નિકાસકાર દેશ હોવાથી ઊંચી કિંમતો પર ઊર્જા વેચીને તેને વધુ આવક મળે છે. આ વધારાનું નાણું રશિયાને યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં મદદરૂપ પુરવાર થઈ રહ્યું છે. તેમણે આગળ કહ્યું હતું કે, ઘણા દેશોનું સૈન્ય ધ્યાન અને સંસાધનો હવે મધ્યપૂર્વ તરફ વળી ગયા છે. જો આ યુદ્ધ ન હોત તો એ જ સૈન્ય ક્ષમતાઓ અને સહાય યુક્રેનને મળી શકી હોત. આમ અપ્રત્યક્ષ રીતે રશિયાને ફાયદો મળી રહ્યો છે, કારણ કે યુક્રેનને મળતી સંભવિત સહાય ઘટી રહી છે. આ નવા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને મીડિયાનું ધ્યાન પણ હવે યુક્રેન ઉપરથી ફંટાઈને ખાડી દેશો ઉપર કેન્દ્રિત થઈ ગયું છે.

-----

અમેરિકાના રક્ષામંત્રીએ કહ્યું, ઈરાન માટે કયામતની રાત

નવીદિલ્હી, તા.10: અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે આજે એક ખતરનાક ચેતવણીમાં કહ્યું હતું કે, મંગળવારની રાત ઈરાન માટે કયામતની રાત હશે. ઈરાનમાં અમેરિકાના હુમલાઓમાં અત્યાર સુધીનો આ સૌથી ભયંકર દિવસ બની શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઈરાનની હુમલો કરવાની ક્ષમતા થોડું ઘટતી દેખાઈ રહી છે, પરંતુ તેણે લડાઈ ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે. બીજી તરફ ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામીન નેતન્યાહુએ પણ કહ્યું છે કે, અમે ઈરાનનાં હાડકાં ભાંગી રહ્યાં છીએ. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે આ યુદ્ધનો હેતુ ઈરાનની સરકારને સત્તાથી હટાવવાનો છે, જેથી ત્યાંના લોકોને જુલમમાંથી મુક્તિ મળી શકે. તેમણે કહ્યું કે ઈરાનના લોકોને આઝાદ કરાવવું જ તેમનું મુખ્ય લક્ષ્ય છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબીના વેપારીને રાજકોટના શખસે લોન અપાવવાના બહાને 70 લાખનો ચૂનો ચોપડયો વેપારીને ધંધામાં નાણાંની જરૂર હોય ભાગીદારે રાજકોટના શખસ સાથે પરિચય કરાવ્યો હતો March 11, Wed, 2026