મુસ્લિમ મહિલાઓનાં વારસાનાં અધિકાર મુદ્દે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી
નવી
દિલ્હી, તા.10: મહિલાઓ માટે વારસાનાં સમાન અધિકારની માગણી કરતી અરજીની સુનાવણીમાં આજે
સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, દેશની તમામ મહિલાઓને
સમાન અધિકાર સુનિશ્ચિત કરવા માટે સમાન નાગરિક સંહિતા (યુસીસી) હોવી જરૂરી છે.
દેશનાં
મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) સૂર્યકાંત, જસ્ટિસ આર.મહાદેવન અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની
પીઠે અરજદાર પક્ષના વકીલ પ્રશાંત ભૂષણને ઘણા મહત્વના પ્રશ્નો પૂછ્યા હતાં. જેમાં જસ્ટિસ
બાગચીએ બોમ્બે હાઈકોર્ટનાં ઐતિહાસિક નરસૂ અપ્પા માલી ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં
કહેવામાં આવ્યું હતું કે પર્સનલ લૉને સંવિધાનિક કસોટી પર તપાસી શકાય નહીં. તેમણે પૂછ્યું
કે શું અદાલત કોઈ પર્સનલ લૉની સંવિધાનિકતા અંગે નિર્ણય આપી શકે? બેન્ચે વધુમાં પ્રશ્ન
ઉઠાવ્યો હતો કે જો અદાલત શરિયા વારસાગત કાયદો રદ્દ કરી દે તો શું કાનૂની ખાલીપો (લીગલ
વેક્યુમ) ઉભો નહીં થાય? સીજેઆઈ સુર્યકાંતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સુધારા
માટેની આપણી અતિઉત્સુકતામાં એવું ન થઈ જાય કે આપણે મુસ્લિમ મહિલાઓને વધુ વંચિત કરી
દઈએ અને તેમને જે હક પહેલાથી મળતો હતો તેનાથી પણ ઓછો મળતો થઈ જાય. જો 1937નો શરિયત
કાયદો ખતમ થઈ જાય તો શું અનાવશ્યક કાનૂની ખાલીપો ઊભો નહીં થાય? પ્રશાંત ભૂષણે અદાલતના
પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે, જો શરિયત ઉત્તરાધિકાર કાયદો રદ્દ થાય તો તેનાથી ઉત્પન્ન થનાર અવકાશમાં ભારતીય ઉત્તરાધિકાર
અધિનિયમની જોગવાઈઓ લાગુ થઈ શકે. અદાલત ઘોષણા કરી શકે છે કે, મુસ્લિમ મહિલાઓ પણ પુરુષ
સમાન વારસાઈ અધિકાર મેળવવા માટે હકદાર છે. અદાલતનાં હસ્તક્ષેપનાં અધિકાર ઉપર ભૂષણે
સર્વોચ્ચ અદાલતનાં એ ફેંસલાને પણ ટાંક્યો હતો જેમાં ટ્રિપલ તલાકને અસંવિધાનિક જાહેર
કરવામાં આવ્યો હતો. તેમણે તર્ક આપ્યો હતો કે, શાયરા બાનો ચુકાદા બાદ આપણે દેશમાં એવી
સ્થિતિ જાળવી ન શકીએ જેમાં મુસ્લિમ મહિલાઓને પુરુષ સમાન અધિકાર ન મળતા હોય. ભૂષણે આગળ
દલીલ કરી હતી કે, વારસાનો પ્રશ્ન નાગરિક અધિકાર છે, ધાર્મિક પ્રથા નહીં. તેથી તેને
બંધારણનાં અનુચ્છેદ 25 હેઠળ અનિવાર્ય ધાર્મિક પ્રથા ગણાવીને સંરક્ષિત કરી શકાય નહીં.
મુસ્લિમ પર્સનલ લો એપ્લીકેશન એક્ટ એક કાયદાકીય અધિનિયમ છે અને અદાલત તેમાં રહેલી ભેદભાવપૂર્ણ
જોગવાઈઓને રદ્દ કરી શકે છે.
સુનાવણી
દરમિયાન સમાન નાગરિક સંહિતાનો મુદ્દો પણ ઉઠયો હતો અને જસ્ટિસ બાગચીએ કહ્યું હતું કે,
શું આ મુદ્દો વિધાનગૃહનાં બુદ્ધિ-વિવેક પર છોડવો ન જોઈએ? કારણ કે રાજ્યના નીતિનિર્દેશક
સિદ્ધાંતો અનુસાર યુસીસી બનાવવાની જવાબદારી તેમની છે.
બેન્ચે
આગળ કહ્યુ હતું કે, જો મુસ્લિમ મહિલાઓ પોતે જ 1937ના શરિયત કાયદાથી બહાર આવવા માટે
અદાલતનો દરવાજો ખટખટાવે, તો ન્યાયિક હસ્તક્ષેપ વધુ યોગ્ય રહેશે. જેનાં ઉપર પર પ્રશાંત
ભૂષણે સ્પષ્ટ કર્યું હતું કે, અરજદારોમાં કેટલીક મુસ્લિમ મહિલાઓ પણ સામેલ છે. અંતમાં
અદાલતે તેમને અરજીમાં સુધારો કરવાના સૂચન આપ્યા હતાં. બેન્ચે કહ્યું કે અરજીમાં સ્પષ્ટ
લખવું જોઈએ કે જો શરિયત વારસાગત જોગવાઈઓ રદ્દ થાય તો તે સ્થિતિમાં કાનૂની ઉપાય શું
રહેશે. પ્રશાંત ભૂષણે અરજીમાં સુધારો કરવાની તૈયારી બતાવ્યા બાદ અદાલતે કેસની સુનાવણી
મુલતવી રાખી હતી.