• રવિવાર, 19 એપ્રિલ, 2026

લીમડીમાં મધરાતે મકાનમાં આગ લાગી, દંપતીનું મૃત્યુ

આગ લાગવાનું કારણ મોબાઇલ બેટરી બ્લાસ્ટ કે એસી શોર્ટ સર્કિટ અંગે તપાસ શરૂ

અન્ય રૂમમાં સુતેલા મૃતકના ભાઈ-ભાભી અને બાળક બહાર નીકળી જતાં બચાવ

(ફૂલછાબ ન્યુઝ)

સુરેન્દ્રનગર, વઢવાણ,તા.18 : લીમડી શહેરમાં મોડી રાત્રે આગની દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. વ્હોરા સોસાયટીમાં રહેતા સબીરભાઈ બુરહાનભાઈ વોરા અને તેમની પત્ની રસીદાબેન સબીરભાઈ વોરાનું આગ લાગવાને કારણે મૃત્યુ નીપજ્યું છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે આખો પરિવાર રાત્રે ઊંઘમાં હતો.

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે અચાનક ઘરમાં આગ લાગી હતી. પ્રાથમિક રીતે પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે, સબીરભાઈએ મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો અને બેટરી ફાટતાં આગ લાગી હશે. બીજી તરફ એસીમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વહીવટી તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી અને તપાસ ચાલી રહી છે. આ બનાવ વખતે ઘરમાં મૃતકના ભાઈ-ભાભી અને નાનો બાળક પણ હાજર હતા, પરંતુ તેઓ અલગ-અલગ રૂમમાં સુતા હોવાથી સલામત રીતે બહાર નીકળી શક્યા હતા. આગ એટલી ભયાનક હતી કે ઘરનું ફર્નિચર અને અન્ય સામાન બળી ને ખાક થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિરીટાસિંહ રાણા સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તંત્ર દ્વારા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને જો કોઈ બેદરકારી સામે આવશે તો કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

ફાયર બ્રિગેડની ટીમ કલાકો સુધી આવી જ નહી : કુતબુદિન વોરા

સ્થાનિક લોકો અને મૃતકના સગા કુતબુદીન વોરા દ્વારા આક્ષેપ કરાયો છે કે, આગ લાગ્યા બાદ લીમડી ફાયર બ્રિગેડ સમયસર ઘટના સ્થળે પહોંચી નહોતી. પ્રથમ લીમડી નગરપાલિકાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સાધનોના અભાવે તે ન પહોચતા અંતે સુરેન્દ્રનગરની ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી, જેને પહોંચવામાં પણ સમય લાગ્યો હતો. આ વિલંબને કારણે આગ વધુ ફેલાઈ અને અંતે દંપતીનું મૃત્યુ થયું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક