હુમલામા ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ, 6 આરોપીઓ ઝડપાયા
અમરેલી,
તા.17 : લીલિયા તાલુકાના સનાળિયા ગામે પાંચ દિવસ પહેલાં ફાઇનાન્સથી લીધેલા મોટર સાઇકલના
હપ્તા ભરવા બાબતે યુવક તથા આરોપી વચ્ચે મનદુ:ખ થયું હતું. તે બનાવમાં સમાધાન કરવાં
ગયેલા નિર્દોષ યુવક ઉપર 6 જેટલાં આરોપીઓએ જીવલેણ હુમલો કરતાં યુવકનું સારવાર દરમિયાન
મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
મળતી
વિગત મુજબ લીલિયા તાલુકાના સનાળિયા ગામે ગત તા.12ના બપોરના આશરે ચારેક વાગ્યાના અરસા
મારામારીની ઘટના બની હતી. જેમાં સનાળિયા ગામે રહેતા યુવરાજ ભરતભાઈ ઢીમેચા નામના રત્નકલાકારે
તે જ ગામના રહેતા આરોપી અજય ભીખાભાઈ મકવાણાના નામ પર ફાઇનાન્સથી મોટર સાઇકલ લીધી હતી.
અને રત્નકલાકારે આરોપીને ફાઇનાન્સના હપ્તા ભરવા પૈસા આપતા હતા પરંતુ આરોપી હપ્તા ભરતા
ના હતા. જે બાબતે રત્ન કલાકાર તથા આરોપી વચ્ચે મનદુ:ખ અને બોલાચાલી થતા આરોપીએ આ બાબતની
જાણ પોતાના ભાઈ સાગર ભીખાભાઈ મકવાણાને કરતા તેમણે રત્ન કલાકાર પાસે જઈ માર મારવાની
ધમકી આપી હતી. બાદમાં રત્નકલાકાર સાથે મહેન્દ્રભાઈ તનસુખભાઈ ઢીમેચા આરોપી સાથે સમાધાનની
વાતચીત કરવા માટે ગયા હતાં. ત્યારે આરોપી સાગર મકવાણા સહિત 6 આરોપીઓએ એક સંપ કરી ઉશ્કેરાઇ
જઈ રત્નકલાકાર તથા મહેન્દ્રભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે કુહાડી, લોખંડના પાઇપ તથા
લાકડાના ધોકા જેવા ઘાતક હથિયારો મહેન્દ્રભાઈના માથાના ભાગે મારી ગંભીર ઈજા કરી હતી. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રભાઈ
તનસુખભાઈ ઢીમેચા નામનાં 24 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નિપજતાં
બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં 6 આરોપીને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ
ધરી છે.