તળાજા,
તા.20: તળાજામાં મૈત્રી કરારથી રહેતી પરિણીતાના સંબંધોના મામલે બે પરિવારો વચ્ચે અથડામણ
થઈ હતી. નોંધાયેલી ફરિયાદ મુજબ, એક પક્ષના યુવક અને તેની સાથે રહેતી મહિલા ઘરે જમી
રહ્યા હતા, ત્યારે મહિલાના પિયર પક્ષના સભ્યો ત્યાં ધસી આવ્યા હતા. મહિલાને પરત લઈ
જવાની બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો
હતો, જેમાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો.
સામા
પક્ષે મહિલાના દિયરે પણ વળતી ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ લગાવ્યો છે કે તેમના ભાભી
અન્ય યુવક સાથે રહેતા હોય, તે અંગે સમજાવવા જતાં સામેના પક્ષના ચાર સભ્યોએ હુમલો કર્યો
હતો. આ મારામારીમાં તલવારના ઘા વાગવાથી બે લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બન્ને પક્ષની
ફરિયાદના આધારે એક મહિલા સહિત કુલ 8 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ
હાથ ધરી છે.