• સોમવાર, 25 મે, 2026

ગોંડલ ભોજરાજપરામાં બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટની કોહવાયેલી લાશ મળી

ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રાજકોટ ખસેડાયો

ગોંડલ તા.24 : ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આવેલા વૃંદાવન નગરમાંથી એક 47 વર્ષીય યુવાનનો કોહવાયેલો અને ફૂલી ગયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંધ મકાનમાંથી અતિશય દુર્ગંધ આવતા આસપાસના લોકો અને પરિવારજનોએ દરવાજો તોડીને જોતા આ કરૂણ ઘટના પ્રકાશમાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, વૃંદાવન નગરમાં રહેતા અને ગોંડલ માર્કાટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા તેજશભાઇ હસમુખલાલ ગોટેચા (ઉ.વ. 47)નાં બંધ મકાનમાંથી અતિશય દુર્ગંધ આવતી હતી. મકાનનો મુખ્ય દરવાજો અને ઉપરના રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી સ્થાનિકો અને પરિવારજનોએ એકઠા થઈને બંને દરવાજા તોડ્યા હતા. રૂમમાં પ્રવેશતા જ બેડ પર તેજશભાઇ ગોટેચાનો ફૂલાઈ ગયેલો અને કોહવાયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે બી’ડીવીઝન પોલીસને જાણ કરાતા બાવકુભાઇ ખાચર દોડી આવી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો.

જાણવા મળ્યા મુજબ તેજશભાઇ અપરિણીત હતા અને ઘરમાં એકલા જ રહેતા હતા. નવા માર્કેટ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે ઓફીસ ચલાવતા હતા. બે બહેનો વચ્ચે એક જ ભાઇ હતા. માતા પિતા ઘણા સમયથી ગુજરી ગયા છે. બન્ને બહેનો પૈકી એક બહેન ઉપલેટા તથા એક બહેન જામજોધપુર સાસરે છે. ઉપલેટા સ્થિત બહેન બે ત્રણ દિવસથી તેજશભાઇને ફોન કરતા હોય ફોન ઉપડતો ના હોય પોતાનાં પુત્ર સાથે ગોંડલ દોડી આવ્યા હતા. અને આડોશ પાડોશની મદદથી તેજશભાઇનાં બંધ મકાનનાં બારણા તોડ્યા હતા. બનાવનાં પગલે નગરપાલિકાનો ફાયર સ્ટાફ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને શિવમ સાર્વજાનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ  માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ફોરેન્સિક પીએમમાં શરીર પર ઇજાનાં કોઇ નિશાન નાં હોય કુદરતી મૃત્યુનુ પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક