• રવિવાર, 07 જૂન, 2026

મોરબી : વાડીમાં સૂતેલી પરિણીતા પર નરાધમે આચર્યું દુષ્કર્મ

મોરબી,તા.6: મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે. શહેરમાં મારામારી અને હત્યાના બનાવો વચ્ચે મહિલાઓ વિરોધી ગુનાઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હૃદય કંપાવનારો દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલી એક વાડીમાં શ્રમિક દંપતી તેમના 2 વર્ષના માસૂમ દીકરા સાથે રહીને મજૂરી કામ કરતું હતું. રાત્રિના સમયે આ પરિવાર વાડીમાં આવેલી ઓરડીની સામે ખુલ્લામાં સૂતો હતો. દરમિયાન અચાનક હલચલ થતાં 22 વર્ષની પરિણીત મહિલાએ તેના પતિને જાણ કરી હતી. પતિએ ટોર્ચ લઈને જોવા જતા અંધારામાં પાંચ અજાણ્યા શખસ ધસી આવ્યા હતા અને દંપતીને ચારેય તરફથી ઘેરી લીધું હતું.

નરાધમોએ ક્રૂરતાની હદ વટાવીને પતિ અને 2 વર્ષના નિર્દોષ બાળકને બળજબરીપૂર્વક વાડીમાં આવેલા નીલગીરીના ઝાડ તરફ ખેંચી લઇ ગયા બાદ એક શખસે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ જ્યારે પ્રતિકાર અને વિરોધ કર્યો ત્યારે ઉશ્કેરાયેલા નરાધમે તેના પગમાં છરીનો ઘા ઝીંકી  ઈજા કરી હતી અને દંપતીને મૂકીને પાંચેય અજાણ્યા શખસ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક