• રવિવાર, 07 જૂન, 2026

કાલથી નવા શૈક્ષણિક સત્રના શ્રીગણેશ રાજ્યની 50 હજારથી વધુ શાળા ખુલશે રાજકોટમાં આકરી ગરમીને કારણે સરકારી શાળાઓ સવારની શિફ્ટમાં જ ચાલશે

18મીથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ

રાજકોટ, તા. 6: રાજકોટ સહિત રાજ્યભરમાં 35 દિવસનું ઉનાળુ શાળાકીય વેકેશન પૂર્ણ થતાં આવતીકાલ તા.8ને સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં નવા શૈક્ષણિક સત્રના શ્રીગણેશ થઈ રહ્યા છે. જેની સાથે જ રાજકોટ સહિત રાજ્યભરની 50 હજારથી વધુ સરકારી-ખાનગી પ્રાથમિક-માધ્યમિક શાળાઓ ખુલશે.

હાલ રાજ્યના મોટભાગના વિસ્તારોમા તાપમાનનો પારો 40 થી 45 ડીગ્રીએ પહોંચી જાય છે. રાજકોટ શહેર-જિલ્લામા પણ આકરી ગરમી પડી રહી છે. જેથી  રાજકોટ જિલ્લામાં તમામ સરકારી પ્રાથમિક શાળાઓ સવારની પાળીમાં જ ચલાવવા માટે સૂચન કરાયુ છે. 

રાજ્યમાં 35 હજાર સરકારી અને ગ્રાન્ટેડ તેમજ 17 હજારથી વધુ ખાનગી શાળાઓ આવેલી છે. 8મીથી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળાનું પરિસર અને વર્ગખંડો બાળકોની ચહેલ-પહેલથી ગુંજી ઉઠશે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ ઉનાળુ વેકેશન દરમિયાન કરેલી પ્રવૃત્તિઓની વાતો તેમના સહાધ્યાયીઓ સાથે કરશે. નવા શિક્ષક અને નવા સહાધ્યાયીઓ પણ જોડાશે.

નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા આગામી તા.18થી 20, એમ ત્રણ દિવસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાળા પ્રવેશોત્સવમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ જોડાશે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલી સાદગીની અપીલનો કેટલો અને કેવો અમલ થશે તેની પણ નોંધ લેવાશે.

બીજી તરફ સૌરાષ્ટ્ર-યુનિવર્સિટીના ભવનો અને કોલેજોમાં હજુ તા.14 જૂન સુધી વેકેશન જ રહેશે. યુનિવર્સિટીના ભવનો અને કોલેજોમાં તા.15 જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક