અમેરિકાથી દિલ્હી પહોંચયેલા અભિજીત દીપકેનાં નેતૃત્વમાં જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન, હજારો યુવાનો ઉમટયા : સીજેપીને મળ્યું સોનમ વાંગચુકનું સમર્થન
નવી
દિલ્હી, તા.6: ઓનલાઈન- સોશિયલ મીડિયા સનસનાટી બની ગયેલી કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)એ
હવે જમીન ઉપર પણ પોતાનાં અભિયાનનો આગાઝ કરી દીધો છે. સીજેપીનાં સ્થાપક અભિજીત દીપકે
અમેરિકાથી આજે સવારે જ રાજધાની દિલ્હી પહોંચ્યા હતાં અને એરપોર્ટથી સીધા જ જંતર-મંતર
ખાતે વિરોધ પ્રદર્શનમાં પહોંચી ગયા હતાં. સીજેપીનાં સમર્થનમાં ત્યાં હજારોની મેદની
ઉમટી પડી હતી. જેને સંબોધતા અભિજીતે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની
માગણી દોહરાવી હતી અને સરકારને ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો પાંચ દિવસમાં પ્રધાનનું
રાજીનામુ નહીં આવે તો આ અભિયાન દેશવ્યાપી શરૂ કરવામાં આવશે, જેમાં અનેક શહેરોમાં પ્રદર્શનો
યોજવામાં આવશે. આ ઉપરાંત આગામી શનિવારે ફરી એકવાર જંતર-મંતર ખાતે પ્રદર્શન યોજવામાં
આવશે.
સામાજિક
કાર્યકર સોનમ વાંગચુક પણ આજે સીજેપીનાં સ્થાપક અભિજીતનાં નેતૃત્વમાં યોજાયેલા આ વિરોધ
પ્રદર્શનમાં સામેલ થયા હતાં. કેન્દ્રીય શિક્ષા મંત્રી ધમેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની
માગણી સાથે અહીં હજારો દેખાવકારો એકત્ર થઈ ગયા હતાં. દિલ્હી પોલીસે આ પ્રદર્શનની અનુમતી
અભિજીત દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારબાદ આપી હતી.
અભિજીતે
કહ્યું હતું કે, હવે આ વિરોધ પ્રદર્શન કેન્દ્રીય શિક્ષામંત્રી રાજીનામુ ન આપે ત્યાં
સુધી ચાલશે. આ લડાઈ લાંબી ચાલશે. તેમણે સીજેપીનાં સમર્થકોને સંબોધતા સવાલ ઉઠાવ્યો હતો
કે, પ્રશાસન કેટલા છાત્રોનાં આપઘાતની રાહ જોઈ રહ્યાં છે? જ્યાં સુધી માગણીઓ પૂરી કરવામાં
નહીં આવે ત્યાં સુધી હવે આ આંદોલન ચાલુ રહેવાનું છે.
અભિજીતે
આગળ સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે, માગણીઓ પૂરી કરવાનાં બદલે સીજેપી સંગઠનની
સોશિયલ મીડિયા ગતિવિધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શિક્ષા પ્રધાનનાં રાજીનામાની
માગણીને એક માસ થઈ ગયો છે પણ આ લોકો એટલા બેશરમ છે કે કાર્યવાહી કરવાનાં દબલે અન્ય
કામોમાં લાગી ગયા છે. અમારા એકાઉન્ટ હેક કરાવવાથી માંડીને પોસ્ટ ડિલીટ કરાવવા ઉપર ધ્યાન
અપાઈ રહ્યું છે. અમારા એકાઉન્ટ કે પોસ્ટ ભલે ડિલીટ થાય પણ અમને ખતમ કરી શકાશે નહીં.
તેણે
આગળ કહ્યું હતું કે, આ ઉદ્દેશ માટે હું મારી આઝાદીનું બલિદાન આપવા તૈયાર છું. અનેક
લોકોને જેલ જવાનાં ડરથી બાંધછોડ કરી લીધી છે અને જાતને વેંચી દીધી છે પણ દેશનાં છાત્ર
અને યુવાનો વેંચાયેલા નથી. અભિજીતે આગળ કહ્યું હતું કે, મારી માતાને ડર હતો અને આવો
જ ડર સરકાર સામે અવાજ ઉઠાવનાર બધા બાળકોની માતાને હોય છે.
જંતર-મંતર
ખાતે આ પ્રદર્શનમાં શાળા-કોલેજોનાં છાત્રો સાથે મોટી સંખ્યામાં યુવા વ્યવસાયિકો પણ
પહોંચ્યા હતાં. અનેક દેખાવકારોએ કોકરોચનાં માસ્ક પહેરેલા હતાં. કેટલાક લોકોનાં હાથમાં
ફૂલ અને તિરંગા પણ હતાં. દેખાવકારોએ બુલંદ અવાજે ધમેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે અને
મેક ઈન ઈન્ડિયા નહીં, લીક ઈન ઈન્ડિયા જેવી નારાબાજી પણ કરી હતી. અભિજીતે પાંચ કલાક
ચાલેલા આ પ્રદર્શનનાં આરંભે જ આંદોલનને શાંતિપૂર્ણ રાખવાની અપીલ કરી હતી.
સોનમ
વાંગચુક પણ આ પ્રદર્શનમાં પહોંચ્યા હતાં અને અભિજીતે મંચ ઉપરથી તેમનો આભાર પણ માન્યો
હતો. વાંગચુકે ચીમકી આપી હતી કે જો અભિજીતની ધરપકડ કરવામાં આવશે તો તેઓ અનશન ઉપર ઉતરી
જશે.