• રવિવાર, 07 જૂન, 2026

હળવદ નજીક કાર ડમ્પરમાં ઘૂસી, એક જ ગામનાં 5 ના મૃત્યુ

રણછોડગઢ ગામ હિબકે ચડયું: સામાજિક અગ્રણી સહિત પાંચેય સભ્યોની એકસાથે અર્થીઓ નીકળી

હળવદ, મોરબી, તા.6: મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક રાત્રે 9:30 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રણછોડગઢ ગામના યુવકનું બાઈક સ્લીપ થતાં તેને હોસ્પિટલ લઈ જવા માટે તેના પિતા અને ગામના લોકો કારમાં નીકળ્યા હતા. આ દરમિયાન પેટ્રોલ પંપ સામે રોડ ક્રોસ કરી રહેલા એક ડમ્પર સાથે તેમની પૂરઝડપે આવતી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ભીષણ ટક્કરમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સદસ્ય અને ઈજાગ્રસ્ત યુવક સહિત કુલ 5 લોકોના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે તેના પિતા સહિત 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેસીબીની મદદથી પતરાં કાપીને મૃતદેહો બહાર કઢાયા હતા અને આજે આખા ગામમાં કલ્પાંત વચ્ચે પાંચેય મૃતકોની એકસાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

    પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક રાત્રિના આશરે 9:30 વાગ્યે એક કરુણ ઘટના સર્જાઈ હતી. રણછોડગઢ ગામના એક યુવક પરેશનું હળવદના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમાચાર મળતા જ તેના પિતા અને ગામના અન્ય આગેવાનો તથા સ્નેહીઓ ચિંતાતુર થઈને કારમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામે એક કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી અને તેના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.

    આ ભીષણ અકસ્માતમાં કારમાં સવાર કુલ સાત વ્યક્તિઓમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. આમ, આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં આમ આદમી પાર્ટીના રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજી દઢેયા (ઉં.વ. 59), બાઈક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલો યુવક પરેશ દિલીપભાઈ દઢેયા (ઉં.વ. 24), સુરેશ વિશાભાઈ સિહોરા (ઉં.વ. 47), વિરમ ભીમાભાઇ દઢેયા (ઉ.વ. 28) અને ભરત પ્રભુભાઈ દઢેયા (ઉં.વ. 39) નો સમાવેશ થાય છે. જ્યારે પરેશના પિતા દિલીપભાઈ (ઉં.વ. 59) અને પ્રકાશ દઢેયા (ઉં.વ. 25) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓ હાલ મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

એકસાથે 5 અર્થીઓ ઉઠી

આ અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર રણછોડગઢ ગામમાં માતમ છવાઈ ગયો હતો. એક જ ગામના પાંચ-પાંચ આશાસ્પદ અને જવાબદાર પુરુષોના મૃત્યુના પગલે ઘરોમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. બીજા દિવસે જ્યારે ગામમાંથી એકસાથે પાંચ લોથી ભરેલી અર્થીઓ નીકળી, ત્યારે ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને આખું ગામ હીબકે ચડયું હતું. આ ગમગીન માહોલમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા સહિતના અનેક રાજકીય-સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમયાત્રામાં જોડાયા હતા. હળવદ તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક