• બુધવાર, 17 જૂન, 2026

આડેસરમાં હાઈવે પર આરોપીએ દબાવેલી સરકારી જમીન પર બનશે પોલીસ સ્ટેશન

પૂર્વ કચ્છના આડેસર ખાતે આશરે 10 હજાર ચોરસ મીટર જમીન ગુનેગાર હારુન અયુબ હિંગોરજાના કબજામાંથી મુક્ત 

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.16: ગુનેગારો અને ભૂમાફિયાઓ પ્રત્યેના રાજય સરકારના અત્યંત કડક વલણ અને ઝીરો ટોલરન્સ નીતિના પરિણામે પૂર્વ કચ્છના આડેસર ખાતે એક ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરાઈ છે. કચ્છના પ્રવેશદ્વાર ગણાતા આડેસર ખાતે રાધનપુર-સામખીયાળી હાઈવે પર વન વિભાગની કચેરી નજીક આવેલી કરોડોની સરકારી જમીનને ભૂતકાળમાં ગુનેગાર હારુન અયુબ હિંગોરજા દ્વારા પચાવી પાડવામાં આવી હતી અને ત્યાં સહારા હોટલનું ગેરકાયદે નિર્માણ કરાયું હતું. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આશરે 10,000 ચોરસ મીટર જેટલી આ વિશાળ સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણ સંપૂર્ણપણે દૂર કરાયું છે.

ગુનેગારો દ્વારા પચાવી પાડેલી સંપત્તિઓ અને જમીનોનો ઉપયોગ જનતાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવા માટે જ થવો જોઈએ તેવો હર્ષ સંઘવીનો સ્પષ્ટ નિર્દેશ છે. આ જ નીતિને આગળ ધપાવતા, આડેસર પોલીસ દ્વારા આ મુક્ત કરાયેલી જમીન પર આડેસર પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિગ બનાવવા માટે સરકાર અને જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી હતી. સરકારે તાકીદે મંજૂરી આપતા વિધિવત રીતે આ જમીનનો કબજો મેળવી નવા પોલીસ સ્ટેશનના નિર્માણ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક