એક વર્ષ જૂના પૈસાની ઉઘરાણી મામલે બબાલ થયા બાદ મારામારી થતાં સારવારમાં યુવાનનું મૃત્યુ
પાલિતાણા, ભાવનગર, તા.15: પાલિતાણામાં
મેઈન બજારમાં આયંબિલ શાળા વિસ્તારમાં મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે ગત મોડી રાત્રીના
જીવલેણ મારામારી થતાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે બે લોકોને ઇજાઓ થતા વધુ
સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાલિતાણામાં હત્યાનો બનાવ બનતા શહેરમાં
ચકચાર મચી જવા પામી છે.
આ હત્યા ના બનાવ અંગે મરણ જનારના
પિતા હુસેનભાઇ ઉર્ફે અદાભાઈ ઈસ્માઈલભાઈ મહેતરે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં લતીફભાઈ
ઈકબાલભાઈ ઉર્ફે ઘેલાભાઈ મહેતર, સાબીરભાઈ ઈકબાલભાઈ ઉર્ફે ઘેલાભાઈ મહેતર, ઈકબાલભાઈ ઉર્ફે ઘેલાભાઈ અલારખભાઈ મહેતર,
યુનુસભાઈ જમાલભાઈ પાદરશી અને સફી ઉર્ફે ભૂરો મહેતર રે. તમામ પાલીતાણા વાળા વિરુદ્ધ
ફરિયાદ નોંધાવેલી છે કે એકાદ વર્ષ પહેલા મારા ભત્રીજા ઇબ્રાહીમના ઘરે લાઈટ ફીટીંગનું
કામ કરવા ઈલેક્ટ્રિકનો સામાન ઈકબાલભાઈ ઉર્ફે ઘેલાભાઈ મહેતર ની દુકાનેથી લીધો હતો. જેના
પૈસા બાકી હોય જે પૈસા બાબતે આ લોકો સાથે અમારે અગાઉ વીસેક દિવસ પહેલા બોલાચાલી અને
ઝઘડો થયો હતો. તે પૈસાની ઉઘરાણીની દાઝ રાખી મારા દીકરા તથા મારા ભત્રીજાને જાનથી મારી
નાખવાના ઇરાદે આવી મારો દીકરો સાજીદ તથા ભત્રીજા ઇબ્રાહીમ અને તેના મિત્ર મયુદ્દીન
સાથે મારામારી કરી ગાળો આપી ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો.
જે ઘાતકી હુમલામાં મારા પુત્ર
સાજીદ હુસેનભાઇ મહેતર (ઉં.વ.24)નું મૃત્યુ થયું છે જ્યારે ભત્રીજા ઇબ્રાહિમને પડખામાં
છરી મારી છે અને મયુદ્દીન ઉપર ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોચાડી છે. પોલીસે તમામ આરોપી
વિરુદ્ધ હત્યા સીખેની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.