સર ટી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થી સાથે રેગિંગ કરાતું હોવાનો આક્ષેપ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
ભાવનગર, તા.18: ભાવનગરની સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક
વિભાગ સાથે સંકળાયેલી રેગિંગની ઘટનાને રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે.
આ મામલે આરોગ્ય રાજ્યમંત્રી મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ સંબંધિત સત્તાધિકારીઓને સમગ્ર
ઘટનાની નિષ્પક્ષ અને તથ્યાધારિત તપાસ કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે.
સર
ટી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થી દ્વારા પ્રથમ વર્ષના
13 વિદ્યાર્થી સાથે રેગિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાની ગંભીરતાને
ધ્યાને લઈ મેડિકલ કોલેજના ડીન તેમજ એન્ટી-રેગિંગ કમિટીને તાત્કાલિક તપાસ હાથ ધરી સમગ્ર
હકીકતો સરકાર સમક્ષ રજૂ કરવા આરોગ્ય મંત્રી દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય
સરકાર વિદ્યાર્થીઓની સુરક્ષા, માન-મર્યાદા અને શૈક્ષણિક હિતોના રક્ષણ માટે સંપૂર્ણપણે
પ્રતિબદ્ધ છે. તપાસમાં જે કોઈ દોષિત ઠરશે તેમની સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક અને
દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. તેવું આરોગ્ય મંત્રીએ જણાવાયું હતું.