પાછલાં વર્ષથી બમણી આવક : 61 દિવસમાં આવ્યા 9.44 લાખ બોક્સ, રૂ. 53 કરોડથી વધુ રકમની કેરી વેચાઈ
સરદારાસિંહ
ચૌહાણ
તાલાલા
ગીર, તા. 18 : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે સાત દિવસ વહેલી શરૂ થયેલી અને દશ
દિવસ મોડી સંપન્ન થયેલી કેસર કેરીની મોસમ પૂર્ણ થઈ છે. ગુરુવારે સીઝનની છેલ્લી હરાજી
કરવામાં આવી હતી. 61મા દિવસે 2970 બોક્સની હરાજી સાથે કામકાજ બંધ કરાયાં હતાં.
61
દિવસની મોસમ દરમિયાન કુલ મળીને 9,44,500 બોક્સની આવક થઈ હતી. જે ગયાં વર્ષ કરતા 4,95,050
બોક્સ વધારે છે. તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજય શિંગાળાએ આપેલી વિગત પ્રમાણે
ગત વર્ષે 44 દિવસ સિઝન ચાલી હતી. ગત વર્ષે કેરીના એક બોકસનો સરેરાશ ભાવ રૂ.560 આવ્યો
હતો. તેની સરખામણીએ આ વર્ષે યાર્ડમાં સરેરાશ એક બોક્સનો ભાવ રૂ.570 રહ્યો જે થોડો વધુ
છે. કિસાનોને યાર્ડમાંથી કેરીમાંથી કુલ રૂ. 53.84 કરોડની આવક થઈ છે. તાલાલા પંથકમાં
આખી સિઝન દરમિયાન વાતાવરણ ખૂબ જ સારું રહ્યું હતું જેને કારણે બગીચામાં આગોતરો અને
પાછોતરો ફાલ વ્યાપક આવ્યો હતો.
સમગ્ર
તાલાલા પંથકમાં અંદાજે રૂ.150 કરોડથી પણ વધુ કેસર કેરીના ઉત્પાદક કિસાનોને આવક થઈ હોવાની
ધારણા વ્યક્ત થઈ રહી છે.