• શુક્રવાર, 19 જૂન, 2026

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, સાવરકુંડલા અને બોટાદ સહિતના પંથકોમાં વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં આનંદ

રાજકોટ તા.18 : છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી, ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી પહોંચી છે. આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, સાવરકુંડલા. જામનગર અને બોટાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઝાપટારુપે મેઘરાજાએ પધરામણી કરી હતી. રાજકોટ અને જામનગર વિસ્તારમાં ઘણી જગ્યાએ ભારે ઝાપટું વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આમ મેઘાના મંડાણ થતા જગતાત સહિત લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને આ વરસાદથી ઘણા વિસ્તારમાં લોકોને ભારે ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

જામનગર : શહેર અને જિલ્લાના લોકો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી પહોંચી છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી, ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત બનેલા નગરજનોને આજે મેઘરાજાએ રાહતનો અહેસાસ કરાવ્યો હતો. સવારે 11.00 વાગ્યા બાદ અચાનક આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યાર બાદ શરૂ થયેલા વરસાદે આશરે 15 થી 20 મિનિટ સુધી પોતાની હાજરી નોંધાવી હતી.

શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંની અસર જોવા મળી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર શહેરમાં 20 મિનિટ સુધી પડેલા વરસાદી ઝાપટાંના કારણે આજે 20 મિનિટ વરસાદ નોંધાયો હોવાનું જાહેર થયું છે. પ્રથમ દિવસે જ પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાતાં શહેરીજનો ખુશખુશાલ બન્યા છે.

અમરેલી : જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બગસરા, લાઠી તથા અમરેલી આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસતાં રસ્તાઓ ભીના બન્યા હતા અને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આજે જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા આ પ્રારંભિક વરસાદી ઝાપટાંએ ચોમાસાની આગાહી વચ્ચે ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાવી છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા સાથે ખેડૂતો ખેતીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.

ભાવનગર : આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને મેહુલિયાએ અમી છાંટણાં કર્યાં હતાં. વરસાદના આગમન સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. નારી ગામે સરકારી હોસ્પિટલ પાસે વીજપોલમાં શોર્ટ સર્કિટ થયા પહેલા વરસાદે જ વીજતંત્રની પોલ ખુલી ગઈ હતી. જિલ્લાના તળાજામા ઝરમર, બોરડા મણાર સાંગાણાંમા નેવાધાર  વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સાવરકુંડલા : અસહ્ય ઉકળાટ અને બફારા બાદ કુદરતે તેના મિજાજમાં મોટો બદલાવ લાવ્યો છે. છાપરી ગામ સહિત તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના 1:30 વાગ્યાની આસપાસ અચાનક જ હવામાન પલટાયું હતું. છેલ્લા કેટલાય દિવસોથી બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, ત્યારે આ અણધાર્યા વરસાદે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરાવી દીધી છે.

કુંઢેલી : અસહ્ય ઉકળાટ  અને બફર બાદ આજે બપોર બાદ 3:00 વાગ્યાના સુમારે વરસાદના અમીછાંટણા કુંઢેલી પંથકમાં થયા હતા. થોડા સમય પછી પણ ગડગડાટ અને પવનના જોર સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

બોટાદ : આજે સવારે વાતાવરણમાં પલોટ આવ્યો હતો અને વરસાદી વાતાવરણ જામ્યું હતું. બપોર બાદ ઝાપટારુપે શહેર અને આજુબાજુના ગામડામાં વરસાદ વરસ્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક