• શુક્રવાર, 10 જુલાઈ, 2026

મોરબીઃ અકસ્માતના નામે પિતા-પુત્રની હત્યાના કાવતરાનો પર્દાફાશ, ત્રણ આરોપી ઝડપાયા

મોરબી, તા.9ઃમોરબી તાલુકાના નીચી માંડલથી વાંકડા જવાના રસ્તે ગત 16 જૂનના રોજ બનેલો ગંભીર અકસ્માતનો બનાવ હકીકતમાં જમીન વિવાદનો ખાર રાખીને રચાયેલું હત્યાનું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કોર્ટની મુદત પતાવીને મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહેલા પિતા-પુત્રને પાછળથી એક સ્કોર્પિયો કારે જોરદાર ટક્કર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માત લાગતા બનાવમાં પોલીસને શંકા જતાં સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓ બપોરથી પિતા-પુત્રની રેકી કરી રહ્યા હતા અને પૂર્વ આયોજિત સ્થળે અકસ્માત સર્જી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી હત્યાના પ્રયાસમાં વપરાયેલી 4 લાખની સ્કોર્પિયો કાર કબજે કરી છે.

    પોલીસની સઘન પૂછપરછ અને કોલ ડિટેઇલના આધારે જાણવા મળ્યું છે કે, જમીનના વિવાદના કારણે ફરિયાદીના સગા ભત્રીજા આરોપી ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવાએ પોતાના મિત્ર હરેશભાઈ દેવજીભાઈ સુરાણી સાથે મળીને પિતા-પુત્રને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું. ગુનાને અંજામ આપવા માટે સ્કોર્પિયો ગાડી ચલાવવા બદલ મોટરસાયકલ અપાવવાની લાલચ આપીને જગદીશભાઈ ખીમજીભાઈ મકવાણાને પણ સાથે સામેલ કરવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે ભાવેશભાઈ બાવરવા, હરેશભાઈ સુરાણી અને કાર ચાલક જગદીશભાઈ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કેસની વધુ તપાસ હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.આર. જાડેજા ચલાવી રહ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક