કરાચી,
તા.8 : પાકિસ્તાનનું એક કાર્ગો વિમાન મંગળવારે
રાત્રે કરાચી એરપોર્ટ પર ઉતરાણ કરે તે પહેલાં જ રહસ્યમય રીતે ગુમ થઈ ગયું છે. આ વિમાન
શારજાહથી કરાચી આવી રહ્યું હતું અને તેમાં ક્રૂ મેમ્બર્સના 5 સભ્યો સવાર હતા. વિમાન
લાપતા થતાં જ પાકિસ્તાની તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
પાકિસ્તાન
એરપોર્ટ્સ ઓથોરિટી (પીએએ)ના જણાવ્યા અનુસાર, રાત્રે 9:18 વાગ્યે પાઇલટે એર ટ્રાફિક
કંટ્રોલનો સંપર્ક કર્યો હતો અને વિમાનની નેવિગેશન સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની
માહિતી આપી હતી. કંટ્રોલ રૂમ દ્વારા વિમાનને સુરક્ષિત ગાઇડ કરવાના પ્રયાસો કરવામાં
આવ્યા હતા, પરંતુ તેના ગણતરીની મિનિટોમાં જ એટલે કે લગભગ ત્રણ મિનિટ પછી વિમાનનો સંપર્ક
સંપૂર્ણપણે તૂટી ગયો હતો. રડાર પર છેલ્લીવાર આ વિમાન કરાચીથી 155 નોટિકલ માઇલ પશ્ચિમ
દિશામાં જોવા મળ્યું હતું.