કુખ્યાત
શખસને 6 તમંચા અને 21 જીવતા કારતૂસ સાથે ઝડપી લેવાયો
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,તા.8:
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અગાઉ હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં
આવ્યો છે. ડીસીબી ક્રાઈમે ચોક્કસ બાતમીને આધારે એસ.પી. રિંગ રોડ પર ઝુંડાલ બ્રિજ પાસેથી
એક કુખ્યાત શખસને હથિયારોના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ શખસની આર્મ્સ એક્ટ હેઠળ
ધરપકડ કરાઈ છે અને હથિયારોની હેરફેરને રોકવામાં પોલીસને સફળતા મળી છે.
દેત્રોજ
તાલુકાના હાથિપુરા ગામનો કરણાસિંહ ઉર્ફે કાચિંડો સોલંકી (ઉ.27)ને પોલીસે ઝુંડાલ બ્રિજ
પાસેથી હથિયારો સાથે પકડી પાડ્યો હતો. તેની પાસેથી 5 દેશી તમંચા, એક બારબોર તમંચો અને
21 જીવતા કારતૂસ મળી કુલ રૂ.88,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પ્રાથમિક
પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે આ હથિયારો ગ્વાલિયરના ’મહારાજ’ નામના શખસ પાસેથી
લાવ્યો હતો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, અમદાવાદમાં આ શખસ આ હથિયારો કોને વેચવા
માટે લાવ્યો હતો?
આરોપી
મધ્ય પ્રદેશથી ગુજરાતમાં હથિયારોની કરતો હતો સપ્લાય
ક્રાઈમ
બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ, કરણાસિંહ છેલ્લા બે વર્ષથી ગેરકાયદે હથિયારોની હેરાફેરીમાં
સંડોવાયેલો છે. તે બુટલેગરો, ગુંડાઓ અને અન્ય અસામાજીક તત્વો સાથે સંપર્ક ધરાવે છે
અને નિયમિત રીતે મધ્ય પ્રદેશથી ગુજરાતમાં દેશી બનાવટના હથિયારો સપ્લાય કરી રહ્યો હોવાનું
ધ્યાન પર આવ્યું છે. આ ગેરકાયદે હથિયારોની હેરાફેરીનું નેટવર્ક કેટલું વિસ્તરેલું છે?
અને તેમાં વધુ કોણ કોણ સંડોવાયેલું છે? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.